________________
૪૩૦
ધ્યાન
શાસ્ત્રોમાં ધ્યાનના જુદા-જુદા પ્રકાર બતાવ્યા છે. તેમાં શાસ્ત્રઆમ્નાય પ્રમાણે વર્ણન હોય, પરંતુ મુખ્ય ધ્યાન તો સત્પુરુષનાં વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ધર્મધ્યાન જ છે.
અમુક પ્રકારે, અમુક આસનથી જ થાય તો ઠીક, એવું કંઇ નથી. કષાય ઉપર સંસારનો બધો આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કામ કર્યા કરે છે. હરતાં-ફરતાં એમાં મન રહે તો તે ધ્યાન જ છે.
અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણા ભવનો અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા. (બો-૧, પૃ.૩૧, આંક ૪૦)
D ગોખે તોય ધર્મધ્યાન થાય, વાંચે તોય ધર્મધ્યાન થાય, વિચારે તોય ધર્મધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૯)
D ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઇએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દૃષ્ટિથી જોઇ પછી ધ્યાન કરશો તો જે ધ્યાનની ઇચ્છા છે, તે પૂરી થશે. કોઇના દોષ જોવા નથી. સમજણપૂર્વક ધ્યાન થાય તો શુક્લધ્યાન થાય એવું છે.
સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. ધ્યાન કરવા બેસે તો મન ક્યાંય તરંગમાં ચઢી જાય. માટે ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઇએ. (બો-૧, પૃ.૨૪૭, આંક ૧૩૯)
૫રમાત્મામાં ચિત્તને રોકવું, એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં, તે શુક્લધ્યાન કહેવાય છે; એટલે મોક્ષ આપે એવું ધ્યાન. જ્યાં એકાગ્રતા હોય, ત્યાં ધ્યાન છે. કેવળી ભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તોપણ વૃત્તિ આત્મામાં જ રહે છે. (બો-૧, પૃ.૧૭૩, આંક ૪૫) પ્રશ્ન : સત્પુરુષના ચરણનું ધ્યાન કરવું, એટલે શું ?
પૂજ્યશ્રી : ચરણના અર્થ અનેક છે. સામાન્ય રીતે તો તેમના ચરણનું ધ્યાન કરવું એટલે તેમના ચરણનાં દર્શન કર્યા હોય, તે ન ભૂલે. એ પ્રેમ ઉપરથી સામાન્ય અર્થ છે.
પછી ચરણનો અર્થ ચારિત્ર છે. સત્પુરુષની આજ્ઞા, એ પણ ચરણ છે. સત્પુરુષની સમીપે રહેવું, એ પણ ચરણ છે. કોઇ પણ વચન સત્પુરુષ પાસેથી મળ્યું તો તેમાં જ ચિત્ત રાખવું, તે સત્પુરુષના ચરણનું ધ્યાન છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૧)
] અપ્રમત્ત = જાગ્રત, આત્મભાવમાં જાગૃતિવાળી દશા, ગુણસ્થાનકોમાં સાતમું ગુણસ્થાનક, ધ્યાનઅવસ્થા. (બો-૩, પૃ.૨૦૫, આંક ૨૦૩)
પ્રશ્ન : ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી ?
ઉત્તર : મોક્ષમાળામાં ધર્મધ્યાન વિષે ત્રણ પાઠ ૭૪-૭૫-૭૬ આપ્યા છે તે વાંચશો. તેથી ધર્મધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે.