________________
(૪૨૮) D શરીરની શક્તિ જોઈ તપ કરવું, તણાઈને કંઈ કરવા જેવું નથી. આ શરીરથી હજી પરમકૃપાળુદેવનો માર્ગ સમજી, તેણે જણાવેલ આજ્ઞા ઉપાસવા માટે કેડ બાંધવાની છે. આંધળી દોડ કરી સંતોષ માનવા જેવું નથી કે મેં ધર્મ કર્યો, પણ સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. સત્સંગ જેવું કલ્યાણનું કારણ કોઇ નથી, એ લક્ષ ચૂકવા જેવો નથી. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૩) લીલોતરી
પૂ. ... ને જણાવવાનું કે તેમણે લીલોતરીનો ત્યાગ કર્યો છે તેમાં અથાણાનો સમાવેશ થતો નથી. લીલોતરીમાં તો સચિત ઉગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે, અને અથાણામાં અચિત થઇ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે; એટલે કોઈ જીવોને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલોતરીના ત્યાગીને હોય છે; કારણ કે બીજા જીવોને હણવાથી, મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગ-દ્વેષ છે, તેમાં પ્રવૃત્તિ થાય છે; તે રાગ-દ્વેષ ટાળવા, આ લીલોતરીના જીવો પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદાયો છે, ભેદાયો છે, શેકાયો છે, તળાયો છે અને વારંવાર સંતાપ પામ્યો છે, તે ભાન નહોતું; પણ પરમકૃપાળુદેવની કૃપાથી, આ જીવની, હવે તેવી દશા ન થાય તે અર્થે, બીજા જીવો પ્રત્યે તેવા દુઃખની, આ જીવને હવે ઇચ્છા નથી. બીજું, અથાણામાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવો છે, અને તે ન સચવાય તો લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છેછે. જે વિચારવાન જીવો લીલોતરીનો ત્યાગ કરી શકતા નથી, તેવા જીવો પણ અથાણાનો ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેન્દ્રિય જીવો બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઇન્દ્રિય આદિ ત્રસ (હાલતાં-ચાલતાં) જીવો અથાણામાં પડે છે, તે એક જાતનો કહોવારો છે, તે ખાવો ઘટતો નથી; તથા રસના લોભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણાથી રસ પોષવાનું કરે છે, તે રસ ઘટાડવાને અથાણાનો ત્યાગ કરે છેજી. જેમ જેમ દયાની લાગણી વધતી જાય, તેમ તેમ જીવ પોતાના આત્માને પાપના કારણોથી બચાવી, થોડી વસ્તુઓથી પેટ પૂરતો ખોરાક, નિર્દોષપણે લેવાની યોજના કરીને જીવે છેજી.
(બો-૩, પૃ. ૨૩૪, આંક ૨૨૯) | લીલોતરીમાં પાકાં ફળની ગણતરી ગણાતી નથીજી. (બી-૩, પૃ.૧૮૮, આંક ૧૯૧) આયંબિલ
D વૃત્તિઓને રોકવા આયંબિલ કહ્યું છે. શરીર સારું હોય તો આયંબિલ કરવા જેવું છે. એમનું એમ તો કરે
નહીં, પણ પર્વને દિવસે કરવાના ભાવ થાય છે. (બો-૧, પૃ. ૨૧૯, આંક ૧૦૭) એ આસો સુદ સાતમને શુક્રવારથી આયંબિલની ઓળી બેસે છે, તે પૂનમને દિવસે પૂર્ણ થાય છે. તે
દિવસોમાં લૂખો નીરસ આહાર એક વખત લઈ, આખો દિવસ ગરમ કરી ઠારેલું પાણી વાપરી, વાંચન, વિચાર, ભક્તિ, મંત્રની માળા ગણવી, નવું ગોખવું. જૂનું મુખપાઠ કરેલું ફેરવી જવું, લખવું, ધર્મની વાતચીત કરવી, જાગરણ કરવું આદિ ધર્મપ્રવૃત્તિમાં રાતદિવસમાંથી બને તેટલો, આત્માર્થે કાળ ગાળવા ભલામણ છે). (બો-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧)