________________
૪૩૧
હાથ-પગ જોડી બેસી રહેવું, તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રોકવી, તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે.
આત્મા સંબંધી, જ્ઞાનીપુરુષે છ પદના પત્રમાં, આત્મસિદ્ધિમાં કહેલ છે, તેનો વિચાર કરી ‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.'' એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે.
પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થચિંતન વગેરે જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી, તે પણ ધ્યાન છે. (બો-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭)
પ્રશ્ન : ધ્યાનમાં શું કરવું?
પૂજ્યશ્રી : ‘‘ઔષધ વિચાર ધ્યાન'' એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન લાગે છે કે કેમ ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે, તેનો વિચાર કરવો. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ છ પદને વિચારી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલ્પ ધ્યાન થાય છે; નહીં તો ધ્યાન ન થાય, કલ્પના થાય. જેટલો આપણાથી બને તેટલો પુરુષાર્થ કરવો. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૪)
કોઇ વખત અપવિત્ર વિચાર ન આવવા દેવા. અપવિત્ર વિચાર આવ્યો તો આર્ત્તધ્યાન થયા વિના ન રહે. ધીરજ રાખવી, પવિત્ર રહેવું. (બો-૧, પૃ.૨૯૨, આંક ૪૧)
— દુ:ખના વખતમાં સામાન્યપણે જીવનો ઉપયોગ, જ્યાં દેહમાં વેદના થતી હોય ત્યાં, વારંવાર જવાનો સ્વભાવ છે; તેને લઇને હું દુઃખી છું, દુઃખી છું એ વેદન રહ્યા કરે છે. તેને જ્ઞાનીપુરુષોએ આર્તધ્યાન કહ્યું છે. મુમુક્ષુજીવે તેમ નહીં કરતાં જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે.
જ્ઞાનીએ દેહને પુદ્ગલનો કહ્યો છે, વેદનીયકર્મ પણ પુદ્ગલ છે; તેના ઉદયે સૂર્યનો પ્રકાશ જેમ વાદળાંથી રોકાય તેમ આત્માનો આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે અને મોહને લઇને ‘હું દુઃખી છું, મને વેદના છે, નથી રહેવાતું, હવે શું થશે ? મટશે કે નહીં ? મરી જવાશે ?' વગેરે વિકલ્પોની પરંપરા દેહાધ્યાસને લઇને થાય છે. તે દૂર કરી, સુખી થવાની કલ્પનાઓ દૂર કરી, સુખદુઃખની કલ્પનાઓમાંથી કોઇ પણ કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી એમ વિચારી, સત્સંગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી, સ્મરણમંત્ર વગેરે સાધનોના અવલંબને ભાવ સદ્ગુરુ અને તેની આજ્ઞામાં રહે, તો ધર્મધ્યાન થવાનો સંભવ છેજી.
માટે આર્તધ્યાન દૂર થાય અને ધર્મધ્યાનમાં ભાવ રહે, તેવો પુરુષાર્થ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૨૯, આંક ૪૪૨)
D‘હું દુ:ખી છું, હું દુઃખી છું' એમ જીવ માન્યા કરે છે - તેનું નામ આર્ત્તધ્યાન છે, તેથી માઠી ગતિ જીવ કમાય છે અને સત્તાધનમાં ઉપયોગ જોડવાથી ધર્મધ્યાન થાય છે અને મોક્ષમાર્ગ મળે છે. (બો-૩, પૃ.૨૨૧, આંક ૨૧૯)