________________
૩૧૯
જેણે ઇન્દ્રિયોને વશ કરવી હોય, તેણે શું કરવું ? તો કે જે વસ્તુઓ ઇન્દ્રિયોને પ્રિય હોય, તે વસ્તુઓથી દૂર રહેવું. એ પ્રસંગથી દૂર થવાય એવું ન હોય તો એના વિચારોમાં મન ન રાખવું. બેઠાં-બેઠાં મંત્રનું સ્મરણ કરે તો કર્મ છૂટે. વૈરાગ્ય રહે તો બંધન ન થાય.
મન જિતાય તો જ ઇન્દ્રિયો જિતાય. જેવી મનની રુચિ હોય, તે પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે છે. (બો-૧, પૃ.૨૯૯, આંક ૫૪)
પ્રશ્ન ઃ પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય ?
પૂજ્યશ્રી : પાંચ ઇન્દ્રિયોના વિષય જડ છે. પરવસ્તુના સંયોગથી ઉત્પન્ન થયેલા છે. પ૨વસ્તુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી ? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસક્તિ શી કરવી ? એ આસક્તિથી જન્મમરણ થશે. એવો વિચાર આવે તો એ પાંચ ઇન્દ્રિયોના વિષય તુચ્છ લાગે.
બધાનો ખરો વિચાર એક સત્સંગે થાય છે. મોહને લઇને જગતની વસ્તુઓનું માહાત્મ્ય છે. અવિવેકને લઇને પ૨વસ્તુનું માહાત્મ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તો પરવસ્તુનું માહાત્મ્ય ઘટે.
પંચેન્દ્રિયના વિષયો તે પાંચ સાપ છે. ઉ૫૨-ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તો મરણ પામે. એક-એક ઇન્દ્રિયવિષયને લીધે જીવો મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ - એ પાંચ ઇન્દ્રિયોના વિષય દુઃખકારી છે, તેનો વિચાર કરે તો પછી એમાં વિશ્વાસ ન આવે.
પાંચે ઇન્દ્રિયોમાં એક જિહ્નાઇન્દ્રિય વશ થાય તો બીજી બધી ઇન્દ્રિયો વશ થાય. જિહ્નાઇન્દ્રિયમાં આસક્ત થાય તો પછી જીભ ન મળે, એકેન્દ્રિય થાય. આગળ-પાછળનો વિચાર કરે તો આસક્તિ ન થાય. હવે જન્મમરણ વધા૨વા નથી, એમ થાય તો આસક્તિ ન થાય.
પાંચ ઇન્દ્રિયોના વિષય વધારવા આ મનુષ્યદેહ ધર્યો નથી. (બો-૧, પૃ.૨૭૪, આંક ૯)
— સત્પુરુષનાં કહેલાં વચનો સત્સંગતુલ્ય જાણી અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા યોગ્ય છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે તથા પાંચ ઇન્દ્રિયોના વિષય ઉપરની આસક્તિ ઘટાડવા યોગ્ય છે કારણ કે ઇન્દ્રિયો પુદ્ગલનો પરિચય કરાવી, જીવને પુદ્ગલાનંદી બનાવી દે છે.
અનાદિકાળથી જીવને પુદ્ગલનો પરિચય ઇન્દ્રિયો દ્વારા થયા કર્યો છે અને પુદ્ગલની પ્રાપ્તિમાં હર્ષ-શોક જીવ કર્યા કરે છે, તેથી પોતાના સ્વભાવને જીવ ભૂલ્યો છે.
આ આંટી ઉકેલી, જીવને આત્માનંદી બનાવવા માટે સદ્ગુરુના બોધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તો તેનો પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઇ જાય અને સમ્યક્ત્વ પામે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦)
પતંગિયું, માછલી આદિ એક-એક વિષયને આધીન તીવ્રતાને લીધે મરણને પામે છે, તો આપણે પાંચ ઇન્દ્રિયો છે, તેનો તીવ્રપણે ઉપયોગ થાય તો શી દશા થાય ? માટે ઇન્દ્રિયોના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડું કરનાર ઇન્દ્રિયો છે.