________________
(૩૭૩)
પરમકૃપાળુદેવે ભાર દઈને જણાવ્યું છે કે કંઠે પ્રાણ આવ્યા હોય અને વેદના હોય, નિમિત્તો સારાં ન હોય તોપણ સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણાને ભજવાની શિક્ષા આપી છે. કોઈ પણ કારણે સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અમુક અનુકૂળ પ્રસંગને સુખ કલ્પી અને અમુક પ્રતિકૂળ પ્રસંગને દુ:ખ કલ્પી હર્ષ-શોક કરવા યોગ્ય નથી. કર્મ માત્ર દુઃખદાયક છે માટે ધીરજ રાખી, આર્તધ્યાન એટલે હું દુઃખી છું, મને દુઃખ આવી પડ્યું એવી વિચારણા ન થાય તેટલા માટે બને તેટલા બળે સત્સાધનમાં મન વારંવાર રોકાયેલું રાખવા ભલામણ છેજી. આપણે સર્વેએ એ જ પ્રવૃત્તિમાં મનને દોરવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૨૮, આંક ૩૨૨) વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે; માટે ક્લેશનાં કારણો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ફ્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે : ““સંપ રાખવો અને સત્સંગ કર્યા કરવો.” (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વાક્ય વારંવાર વિચારી ક્લેશનાં કારણોને ભૂલી જવા યોગ્ય છેજી. મરણનો વારંવાર વિચાર કરવાથી મોહની મંદતા થઈ વૈરાગ્ય રહ્યા કરશે; તો જગતના અનિત્ય, અસાર અને અશરણ ભાવોને માટે આત્માને ક્લેશિત કરવો યોગ્ય નથી, એમ સહજ સમજાશે. સ્મરણમંત્રમાં વૃત્તિ વિશેષ રહ્યા કરે એવો અભ્યાસ પાડી મૂકવા ભલામણ છેજી. મનને સારું કામ કરવાનું ન હોય ત્યારે જ અશાંતિમાં, વિકલ્પોમાં પ્રવર્તે છે, માટે નવરું પડયું નખ્ખોદ વાળે તેવું મન છે, તેને સ્મરણમંત્રરૂપી વાંસ ઉપર ચઢ-ઊતર કરવાનું કામ સોંપવાનો નિશ્ચય કરી, તે નિશ્રયનો અમલ થાય તેમ કાળજી રાખતા રહેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૬૭, આંક ૭૯૮) ભૂતકાળ અને આખા જગતનું વિસ્મરણ કર્યા વિના છૂટકો નથી. જે કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ક્ષણવાર પણ ન થાય, અને જે થાય છે તેનું કારણ વિચારી દૂર થાય તેમ કરવા યોગ્ય છેજી. હવે તો અંતવૃત્તિ તરફ લક્ષ રાખી ક્લેશનાં કારણ નિર્મૂળ કરવા ઘટે છે. અણસમજણ, અસહિષ્ણુતા, પરના તરફ દ્રષ્ટિ અને શાતાની ઇચ્છા એ જીવને મુખ્ય ક્લેશનાં કારણે પ્રથમ વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૬, આંક ૬૩૬). ૫.ઉ. પ્રભુશ્રીજીનો બોધ તથા સમાધિસોપાનમાંના પત્રો આદિ વાંચતા રહેશો અને સમભાવ બને તેટલો રાખશો તો ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે; બાકી સંસાર તો ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગનો જોગ બને તેટલો મેળવતા રહેવા ભલામણ છેજી. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાની પુરુષોનાં વચનોમાં વૃત્તિ જોડી રાખવાનો પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશેજી.