________________
(૪૧
માંસના વ્યસનનો ત્યાગ કરવારૂપ તમે પ્રતિજ્ઞા લીધી છે. મુશ્કેલીના પ્રસંગમાં માંસ નહીં પણ માંસની કોટિમાં ગણાતું કોડ નામની માછલીનું તેલ તમે વાપરો છો; તે પણ પરદેશના નિવાસ પૂરતું જ; તમારે નિયમ નથી પાળવો એવી બુદ્ધિ નથી; તે તેલનું પણ વ્યસન પડી જાય અને પછીથી શરીર જાડું રાખવા તેનો ઉપયોગ અહીં આવીને પણ ચાલુ રાખવારૂપ વ્યસન સેવવું નથી એમ જ્યાં સુધી તમે માનો છો, ત્યાં સુધી પ્રતિજ્ઞાનો સ્પષ્ટ ભંગ નથી.
ભાવ પ્રતિજ્ઞા પાળવાના છે, તે વ્યસનના ત્યાગનો ઉપાય છે ત્યાં સુધી પતંગની દોરી તમારા હાથમાં છે. ભલે પતંગ દૂર આકાશમાં હો પણ તમે તેને હસ્તગત કરી શકો એમ છો. વ્યસનની પરાધીનતા તમને પોતાના સકંજામાં સજ્જડ કરી શકે તેમ નથી; છતાં દોષ તે દોષ છે અને માંસાહારના દોષરૂપ કર્મ બંધાય છે. પ્રતિજ્ઞાભંગના દોષરૂપ કર્મ તમને પૂર્ણપણે લાગતું નથી, અંશે લાગે છે.
આ વાત વારંવાર પત્ર વાંચીને વિચારશો તો તમને સ્પષ્ટ સમજાય તેવી તમારી વિચારદશા છે.
જેટલા અંશે આત્મા દોષિત છે, તેટલા અંશે ખેદ અને ઉદાસભાવ, તે તેલ પ્રત્યે ભજવા ઘટે છે. દવાની પેઠે વાપરી, જરૂર પડ્યે, પહેલી તકે, તે તજી દેવાની તત્પરતા આત્મામાં જાગ્રત રાખવાની જરૂર છે. માંસ કે તેવા તેલમાં પ્રત્યેક અવસ્થામાં અનંત જીવો ઉત્પન્ન થયા કરે છે. તેનો વધ પાપી પેટ પૂરવા કરવો પડે છે, એ ખેદ ભુલાવો ન જોઇએ. (બો-૩, પૃ.૬૩૫, આંક ૭૫૦)
તમે કેવું વ્રત લીધું છે, માંદગી પ્રસંગની છૂટ રાખી છે કે કેમ, તે મને ખબર નથી; પણ છૂટ રાખી હોય તો ઠીક છે, અને છૂટ ન રાખી હોય અને પાણી વાપર્યું હોય તો હવેથી જાગ્રત થઇ જઇ, જે પ્રકારે જેવા ભાવે વ્રત લીધું હતું તેવા જ ભાવે, વેદનાને નહીં ગણતાં, પાળવા ભલામણ છેજી.
પશુ જેવાં પણ લીધેલું વ્રત પાળે છે, તો આપણે તો જરૂર પાળવું. ભૂલ્યા ત્યાંથી ફે૨ ગણો, પડયા ત્યાંથી ઊભા થઇ જાઓ. પાણી કંઇ આયુષ્ય વધારનાર નથી. એક વખત જ મરણ આવવાનું છે, તેનાથી ડર્યા વિના ‘વ્રત એ જ ખરું જીવન છે' એમ જાણી, બળ રાખી પાળશો તો કલ્યાણ છેજી.
‘ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, – છાંડે, પણ નહીં ધર્મ;
પ્રાણ અર્થે સંકટ પડે જી, જુઓ એ દૃષ્ટિનો મર્મ’’
એમ રોજ બોલીએ છીએ. તે પાળવાનો હવે કસોટીનો વખત આવ્યો છે ત્યારે પાછી પાની કરવી નહીં. જો મંદવાડની છૂટ રાખી હોય તો મંદવાડ ચાલે ત્યાં સુધી પાણી વાપરવા હરકત નથી. યાદ ન હોય તો બળ કરી, પ્રતિજ્ઞાને પ્રાણ ગણવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૮, આંક ૩૯૪)
હાથીના બે દાંત સમ, સજ્જનના ગણ બોલ;
વચન દઇ વર્તે નહીં, તે તરણાને તોલ.
આપનો પત્ર મળ્યો. ત્યાંની મુશ્કેલીઓની હકીકત લખી તે જાણી. હિંમત હારવી નહીં. લીધેલું વ્રત બને તેટલી ધર્મભાવના અને ચીવટ, દાઝ રાખી પાળવું ઘટે છે.
આ જીવે પ૨વશે ઘણાં દુઃખ વેઠયાં છે; પણ સ્વવશે, સમભાવ અર્થે ધર્મબુદ્ધિએ વેઠશે ત્યારે જ કલ્યાણ થવા યોગ્ય છે.