________________
(૪૨૨)
પર્યુષણ પર્વમાં અત્રે ઘણા મુમુક્ષુઓ, ગંગામાં સ્નાન કરી પવિત્ર થાય તેમ તપ, જપ, ભક્તિભાવ, પ્રભાવના, ધર્મસ્નેહ, વિનય, પશ્ચાત્તાપ, પ્રાયશ્રિત આદિથી મંદ-કષાયી બની, યથાશક્તિ મહાન પર્વને ઊજવે છે. એક મુમુક્ષુભાઇએ બધી ભરસભામાં ઊભા થઈ, પોતે પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સટ્ટો નહીં કરવાનો નિયમ લીધેલો, છતાં સટ્ટા કરી, સર્વ મિલકત ખોઈ, ઘરભંગ થયા છે તેનો પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટો નહીં કરવાનો નિયમ-નિશ્રય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઇને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે ! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં, શ્રી ઉત્તરાધ્યયનમાં, શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યા કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તેવો તે પ્રસંગ હતો. તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજી. હાર્યો જુગારી બમણું રમે એમ લોકોમાં કહેવાય છે, તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમતો આવ્યો છે. ઘણી ખોટ ગઇ, પામર થઈ ગયો છે, કર્મનો ગુલામ બની ગયો છે તોપણ તે બાજી ફેંકી દઈ, હવે નથી રમવી એમ આ અભાગિયો જીવ નિશ્ચય કરતો નથી. “ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું છે, છતાં આ જીવને ભવનો ખેદ પ્રગટયો નથી. (બી-૩, પૃ.૩૧૪, આંક ૩૦૩) ધનની કાળજી કેવી રાખીએ છીએ? કોઈ આવીને કહે કે તમારે ત્યાં અમુક મારા રૂપિયા જમા છે તે લાવો, તો તેનો વિશ્વાસ રાખી, આપણે તરત ચૂકવી દેતા નથી કે તે કહે છે તો લાવો આપી દઇએ; પણ ચોપડો કાઢે, તેનું ખાતું તપાસે, વ્યાજ વગેરે ગણે, એક પૈસો પણ આઘોપાછો નથી એમ ખાતરી થાય ત્યારે રકમ ચૂકવે છે; તેમ વ્રત જેણે પાળવું છે તેણે તો ચોકસાઈ કરવી; નહીં તો સહેલો રસ્તો સ્વાદ ઓછો કરવો એ છે.
આ તો સામાન્ય વાત થઈ, કારણ કે કોઈને માટે ધર્મ કરવાનો નથી. તલ-તલનાં લેખાં છે. જેવું કરશે તેવું પામશે. (બી-૩, પૃ.૧૦૯, આંક ૧૦૨) રેલવે આદિમાં મધ્ય રાત્રિ પછી બીજો દિવસ ગણાય છે, તેનું દ્રષ્ટાંત આત્માર્થમાં ન લેવું. જેથી વિશેષ લાભ વ્રતમાં થાય તેવો લક્ષ રાખવો. આવેશને વશ ન થવું. તમે બીજો દિવસ પાળી લીધો છે અને પશ્ચાત્તાપયુક્ત ફરી તેમ વર્તન ન કરવા શિખામણ લીધી છે, તે પ્રમાણે લક્ષ રાખવો – એ જ ખરું પ્રાયશ્ચિત છેજી. તિથિને અર્થે વ્રતનિયમ પાળવાના નથી પણ આત્માના હિતને અર્થે વર્તવું છે, તે ચૂકવું નહીં. લીલોતરીનો નિયમ હોય તો તેવાં લીલાં મરચાં ન ખાવાં, તેમાં દયાની લાગણી ઉપરાંત શરીર-સુખાકારીની દૃષ્ટિએ પણ ઠીક છેજી. માટે તેવું ન વાપરવું હિતકારી છેજી. એકાસણા આદિ, જીવને રસ આદિ લુબ્ધતા ઓછી કરવા તથા ધર્મધ્યાન અર્થે વખત વિશેષ મળે, તે લક્ષ રાખવા અર્થે છેજી.