________________
(૪૧૫ લોભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણા ઘટશે તો જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. માટે વિચારવાન જીવો વ્રત કેટલું નાનું-મોટું છે તે તરફ દૃષ્ટિ નથી કરતા, પણ જન્મમરણથી છૂટવાની ભાવના કેટલી પ્રબળ છે તે તરફ દૃષ્ટિ રાખે છે. જે, જન્મમરણથી છૂટવાની ભાવનાની વૃદ્ધિ કરી, તેને અમલમાં મૂકવા બને તેટલું અલ્પ પણ વ્રત આદરી, તેને જીવના જોખમે પણ પાળવામાં મક્કમ રહે, તેને તે મનોબળ મોક્ષની નજીક લઇ જાય છે. પરના સંગથી પરવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે. તે નિમિત્ત આત્માને અહિતકારી જાણી, જો વ્રત અંગીકાર કર્યું તો તેની અસર આત્મામાં ઊંડી થાય છે. લોકોને જણાવવા કે રૂડું દેખાડવા નહીં, પણ આત્માને અકલ્યાણકારી બાબતની વૃદ્ધિ માટે અટકાવવી છે; અને જેમ નવી જમીન વગેરે પર થતી મમતા ઘટાડવા વ્રત લીધું, તેમ જ હાલ જે જમીન આદિ પરિગ્રહ છે તે પણ આત્માને હિતકારી નથી, પરંતુ કુટુંબકાજ નિભાવવા તેમાં પ્રવર્તવું પડે છે; પણ આત્માનું કલ્યાણ કરવાનો અમૂલ્ય ભવ તે તેમાં ને તેમાં વહ્યો ન જાય, માટે વર્તમાનમાં પરિગ્રહરૂપે જે જે પરપદાર્થોનો સંગ છે, તેની મારે મમતા તજવા જ યોગ્ય છે, એમ વારંવાર ભાવના વર્ધમાન કરી, મનુષ્યભવને સફળ કરવા સત્સંગ આદિ સાધનોનો યોગ વિશેષ બની આવે તેમ કાળજીપૂર્વક પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૯૫, આંક ૮૮) “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઇ પડે છે.” (૨૧-૧૧) “આજ્ઞામાં અમુક વખત લેવો એ કંઈ સમજ પડતી નથી' એમ કહ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે આપણને એકાદ કલાક કે અમુક વખત તદ્દન નિવૃત્તિ છે એમ સમજાય, ત્યારે વખતની મર્યાદા સંબંધી પણ, આજ્ઞા લેતી વખતે મનમાં નિર્ણય કરી શકાય કે કલાક સુધી મારે આત્મા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિમાં પડવું નથી. તેવો નિયમ લીધા પછી કોઈ મિત્ર આદિ આવી ચઢે તો કાપલીમાં લખી રાખ્યું હોય કે અમુક આટલા વાગ્યા પછી બીજા સાથે વાતચીત કરવાનો મારે નિયમ છે, તે બતાવી દીધાથી તે પણ સમજી જાય એટલે કાં તો તેટલો ટાઇમ રાહ જોઈ બેસે કે તેને ફાવે તેમ કરે. આ બધું સ્વતંત્ર જીવનને અંગે છે. તેની ઉતાવળ કરવા જેવું નથી, પણ તેમ કરવાથી પત્રને મથાળે જે વાક્ય લખ્યું છે, તે પ્રમાણે ઘણો લાભ થાય છે. (બી-૩, પૃ.૪૦૭, આંક ૪૧૪).
“ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ,
પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દૃષ્ટિનો મર્મ.” આ ઉત્તમ આચરણ ગણાય છેજી. સત્ય વચન માટે હરિશ્ચંદ્ર આદિનાં વખાણ તે અર્થે થાય છેજી; છતાં બધાની તેવી શક્તિ હોતી નથી. ધર્મરાજા જેવાને પણ મિશ્રવચન બોલવાનો પ્રસંગ આવેલો, છતાં ન્યાયની કોટિએ તે આપદ્ધર્મ નહીં પણ કંઈ અંશે દોષ જ ગણાય છે. ધર્મને તો ધર્મ જ રાખવો યોગ્ય છે. આપદ્ધર્મ ગણી, તેની કક્ષા સરખી ગણવા યોગ્ય નથી. ધર્મનું પાલન યથાશક્તિ થાય તે લક્ષ રાખી જ્ઞાનીપુરુષોએ, “ધર્મનો ભંગ નથી કરવો' એટલો લક્ષ જ્યાં સુધી છે, ત્યાં સુધી તે જીવને આરાધક કહ્યો છે અને થયેલ કે થતા દોષને અનાચારરૂપ ન કહેતાં અતિચારરૂપ કહેલ છે; એટલે નિયમ તૂટે નહીં પણ દોષયુક્ત પળાય છે, એમ કહ્યું છે.