________________
૩૯૯
કંઇ ન બને તો, તેવાં સ્થળોનો અમુક કાળ સુધી ત્યાગ કરીને પણ દુર્ધ્યાનથી બચવાની જરૂર છેજી. અવિચારી અને ઉતાવળિયું કામ, આપણે હાથે ન થઇ જાય તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૨૪૮, આંક ૨૪૧)
૫૨મ કરુણાવંત એવા જ્ઞાનીપુરુષોએ અનેક ભવના અનુભવનો સાર એક-એક વાક્યમાં, એક-એક શબ્દમાં આપણા માટે ભર્યો છે. તેનો લાભ લેવા જિજ્ઞાસા અને વૈરાગ્યની વૃદ્ધિ કરીએ તો આનંદનો અખૂટ ખજાનો જ્ઞાનીપુરુષની કૃપાદૃષ્ટિએ પ્રાપ્ત થાય તેમ છે.
બાગમાં જઇએ તો સહજ સુગંધ મળે છે, પણ તેટલું ચાલીને ત્યાં જવું જોઇએ અને તે જાતનો જેમ શોખ હોય તો આનંદ આવે છે; મજૂરને બાગમાં કામ કરવાનું હોય તોપણ તે જાતની રુચિ અને શોખ નથી, તેથી આનંદ નથી માનતો; તેમ સત્પુરુષોની કૃપાને પાત્ર થવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિની જરૂર છે. (બો-૩, પૃ.૧૫૯, આંક ૧૬૦)
પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જીવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને સત્પુરુષનાં વચનો સમજાય, અને સમજાય તેટલું થોડું-થોડું અમલમાં, આચરણમાં મુકાય. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૬)
વૈરાગ્ય વધે તેવું વાંચન - ભાવનાબોધ, મોક્ષમાળા, ગ્રંથયુગલ આદિ – કોઇ ન હોય તો આપણે એકલા પણ રાખવું ઘટે છેજી.
વૈરાગ્ય વગર ગમે તેવા ઉત્તમ તત્ત્વની વાત હોય તોપણ લૂખી લાગે અને વૈરાગ્ય હોય તો તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજી.
‘સાંજ પડી અને હજી દીવો નથી કર્યો ?' એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે ધોળા વાળ થઇ ગયા, તોપણ મેં આત્મજ્યોતિ પ્રગટાવી નહીં ! ધિક્કાર છે મારા ડહાપણને ! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડયો અને તેના સદ્ભાગ્યે સદ્ગુરુ મળ્યા અને પોતાનું કલ્યાણ તેણે કરી લીધું. (બો-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪)
કાળનો ભરોસો નથી. સ્ત્રી, ધન આદિ અનંતવાર મળ્યાં છે, પણ ધર્મ આરાધવાનો આવો યોગ મળ્યો નથી, મળ્યો હશે તો આરાધ્યો નથી; તો હવે તેવી ભૂલ રહી ન જાય તે માટે ચેતતા રહી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯)
બીજાની વેદના, પરાધીનતા, દુઃખ આદિ દેખી, મુમુક્ષુજીવે પોતાનો વિચાર કરવાનો છે. આવી દશા એવાં કર્મનો ઉદય હોય તો આપણને પણ આવે એમ વિચારી, વૈરાગ્યની વૃદ્ધિ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧)
વાતોએ વડાં નહીં થાય. શ્રવણ, મનન, નિદિધ્યાસનના (વારંવાર ભાવનાના) ક્રમે આગળ વધાય તેમ છે. જે જે ભક્તિના પદ, આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ છે, તેનો વિશેષ વિચાર કરી, કંઇક ઊંડા ઊતરાય તેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આપણ સર્વને જરૂરની છે.
વૈરાગ્યના અભાવે મોહનું ગાંડપણ છૂટતું નથી અને ‘‘બાળધૂલિ ધર લીલા સરખી ભવ ચેષ્ટા''માં અમૂલ્ય માનવભવ વહ્યો જાય છે; તે વહ્યો જવા દેવા યોગ્ય નથી. માટે દ૨૨ોજ, માથે મરણ છે તેનો