________________
(૪૦૭ જે વ્રત દૃઢપણે પાળી શકાય તે લેવું અને જે પાળી ન જોયું હોય તે થોડો વખત પાળી જોઈ, એમ લાગે કે હવે સારી રીતે પ્રસન્ન મનથી પાળી શકાશે, તે વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવું ઘટે છેજી. એકાસણાં એક દિવસને આંતરે તમે કરતા હો અને તમને લાગતું હોય કે એક વર્ષ સુધી થઇ શકશે તોપણ તેની હમણાં ઉતાવળ કરી બાર માસનું વ્રત નહીં લેતાં, ચાર માસનું કે હોળી સુધીનું લેવા ભલામણ છેજી, પછી ઠીક લાગે તો વધારવું; કારણ કે તેમાં અશક્તિ આદિના કારણે પછી આર્તધ્યાન થવાનો સંભવ જાણી, ઉતાવળ કરી લાંબી મુદ્દત ન રાખવા લખ્યું છે. ફરી તે મુદત પૂરી થયે, ઉત્સાહ ચાલુ રહે તો ફરી બે-ચાર માસનું વ્રત લેવું; વળી તે મુદ્દત પૂરી થતાં, ફરીથી યોગ્ય લાગે તેટલી મુદતનું લેવું, પણ એકદમ લાંબી મુદતનું વ્રત લઈ લીધા પછી અશક્તિ, વ્યાધિ કે બીજા કારણે તોડવું પડે તે ઠીક નથી. રાત્રિભોજન, કંદમૂળ, લીલોતરી વગેરેનો જે પ્રમાણે તમે ધાર્યો છે, તે પ્રમાણે ત્યાગ કરવામાં પ્રતિબંધ નથી; તથા નિત્યનિયમમાં શ્રી આત્મસિદ્ધિ, આલોચનાદિ જે ભાવપૂર્વક થઈ શકે તેટલું લાગે, તેનો નિયમ લઈ લેવામાં બાધા નથીજી. ધર્મકાર્ય બને તેટલું ભાવપૂર્વક કરવાથી જ લાભ છે, વેઠ જેવું થાય તે ઠીક નથી. અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી બને તેવો સત્સંગયોગ મેળવી, મુશ્કેલી વેઠીને પણ આત્મહિતનું કાર્ય કર્યું હશે, તે જ સાથે આવશે. ધન-ધાન્ય માટે કેટલી તનતોડ મહેનત કરીએ છીએ? પણ તે તો બધું શરીરને અર્થે છે અને અહીં પડી રહેનાર છે. માટે આત્મા જે શાશ્વત પદાર્થ અને આપણું ખરું ધન છે, તેની સંભાળ રાખશોજી. (બો-૩, પૃ.૪૩૫, આંક ૪૫૪) T બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો, પહેલાં અભ્યાસ ન કર્યો હોય તો બાર મહિના સુધી
સાથે-લનું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશો. કેટલાક નિયમ લઈને, પછી માથું દુઃખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તોડી નાખે છે; માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીધો હોય અને બરાબર પળ્યો હોય તો પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતી છે. વૃત્તિ બીજેથી રોકાય અને આત્મહિતમાં વિશેષ અવકાશ મળે તથા આત્મહિતની વસ્તુ સુખરૂપ લાગે તેવો ઉદ્દેશ આવા નિયમોનો છે, તે લક્ષ રાખવા વિનંતી છે. એકાસણા વગેરે અવકાશના વખતમાં વિશેષ ધર્મધ્યાન થાય, તે લક્ષ રાખશોજી. ધન કરતાં જ્ઞાનનો લક્ષ વિશેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છેજી. જે કંઈ કરવું તે આત્માર્થે કરવા યોગ્ય છે, તેટલો લક્ષ ન ચુકાય તો વ્રતનિયમ વિશેષ ફળદાયી થાય છે). (બી-૩, પૃ.૨૮, આંક ૭૩૪)
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો.'' બીડી તથા ચા એક વર્ષ માટે નહીં પીવાનો નિયમ લેવા તમારી ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરી લેશોજી.