________________
૪૧૨
કસોટીના વખતમાં જીવ બળ નહીં કરે તો દયાની વૃત્તિ બુઠ્ઠી થઇ જાય, એમાં નવાઇ નથી; અને સાત્ત્વિક વિચારોને બદલે બાહ્ય માહાત્મ્યમાં જીવની વૃત્તિ રોકાઇ રહે તેવું બનવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૮૯, આંક ૮૨૮)
તમે મધની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છો, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું એ મધ છેજી.
મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી, મધપૂડામાં જઇ પૂંઠથી છેરે છે એટલે મધ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવો ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે; એટલે તમને વિચાર કરવા આ લખ્યું છે.
તમારી હિંમત હાલે જીવનપર્યંત ત્યાગવાની ન ચાલતી હોય તો થોડે-થોડે બે-પાંચ વર્ષના ત્યાગનો અખતરો કરી, પછી હિંમત આવે ત્યારે જિંદગીપર્યંત છોડવું હોય તોપણ બની શકે.
ખાંડની ચાસણી મધને બદલે વપરાય છે અને લગભગ સરખો જ ગુણ કરે છે.
તમારાથી ન જ પળી શકે તેમ લાગતું હોય તો, આગ્રહ કરે છે માટે પરાણે નિયમ લેવો પડશે એમ ન ધારશો, હિંમત રહેતી હોય તો આત્માને મધત્યાગથી ઘણા પાપના બોજામાંથી બચાવી શકાય, એટલા માટે લખ્યું છે. (બો-૩, પૃ.૬૯૩, આંક ૮૩૪)
D બનતાં સુધી દવામાં પણ મધ વાપરવું નહીં. જો એવી દવા લેવી પડે તો મધને બદલે ચાસણીમાં, ગોળમાં, પતાસામાં લઇ શકાય છે. (બો-૧ પૃ. ૪૭, આંક ૨૧)
D પૂર્વે પાપ કરેલાં, તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઇને પાપ કરે તો વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મધનો ત્યાગ ન કર્યો હોય તો આજથી ત્યાગ કરવો ઘટે છેજી.
તમે મધનો ત્યાગ ન કર્યો હોય અને દેહ સાચવવાની લાલસામાં મધ લેશો તોપણ પાપ તો જરૂર થશે. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. માટે આત્માની દયા લાવી ગોળ, ચાસણી વગેરે મધ વિના જે અનુપાન વૈદ્ય જણાવે, તેમાં દવા લેવી. મધથી જ મટે એવો નિયમ નથી. માટે મંત્રમાં ચિત્ત રાખી, દુઃખ આવી પડયું હોય તે સહન કરવું, ગભરાવું નહીં. આપણાં કરેલાં આપણે ભોગવવાં પડે છે. માટે પાપમાં મન ન જાય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ભક્તિ થાય, એમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૯)
દવામાં શું આવે છે વગેરે, મને પૂછવાની જરૂર નથી.
સાત વ્યસન અને સાત અભક્ષ્ય ચીજોનો તમે નિયમ લીધો છે. તેમાંની કોઇ ચીજ આવે છે કે નહીં, તે દવા આપનાર પાસેથી ખાતરી કરી લેવી. દા.ત. કોઇ ગોળીઓ વૈદ્ય આપતો હોય તો મધમાં ગોળીઓ વાળેલી છે કે કેમ ? એમ સભ્યતાથી પૂછી લેવું કે ‘મધ હું વાપરતો નથી તો તેવી ચીજો દવામાં હોય તો મને તે મહેરબાની કરીને આપશો નહીં.' આમ કહી શકાય.
(બો-૩, પૃ.૪૭, આંક ૪૧૪)