________________
૩૯૮
તેનું બૂરું કરવાના વિચારો કરી, રૌદ્રધ્યાન કરી, એવાં કર્મ તે બાંધે છે કે હાલની વેદના કરતાં અત્યંત આકરી વેદના ભવિષ્યમાં લાંબા કાળ સુધી ભોગવવી પડે, તેવાં કર્મ બાંધી અધોગતિ ઊભી કરે છે; અને વિચા૨વાન બાંધેલાં કર્મોથી છૂટે છે અને નવાં ન બંધાય તે માટે સદ્ગુરુએ આપેલા સાધનમાં વૃત્તિ રાખે છે. (બો-૩, પૃ.૧૦૧, આંક ૯૩)
ન
જેવી વૈરાગ્યની વાત પત્રમાં લેખ પામી છે, તેવી દયમાં જો આલેખાઇ રહે તો કલ્યાણ જીવને સમીપ છે એમ સમજવું ઘટે છેજી. વૈરાગ્યનાં વચનો હ્દયમાંથી નીકળી જાય તે કલ્યાણકારી નથી; ટકી રહે અને સત્પુરુષના બોધને પરિણામ પામવાનાં કારણ બને તો જ ઉપકારી ગણવા યોગ્ય છે.
સગર ચક્રવર્તી ૬૦,૦૦૦ પુત્રના મૃત્યુની ખબર આપનાર બ્રાહ્મણને પ્રથમ તો પુત્રનો શોક નહીં કરવા શિખામણ દે છે, પણ જ્યારે પોતાના પુત્રના મરણની વાત સાંભળે છે, ત્યારે તે બેભાન થઇ જાય છે અને વિલાપ કરે છે. આ દૃષ્ટાંતથી ચેતી આપણે આપણને બોધ આપતા થઇએ અથવા પરમપુરુષના બોધને હ્દયમાં રાખી કલ્યાણ-સાધક બનીએ, એ જ ભાવનાથી આ બે વચનો લખ્યાં છે, તે મારેતમારે-બધાએ લક્ષમાં રાખવા યોગ્ય છેજી.
દિન-દિન, ચઢતા, સાચા વૈરાગ્યને પાત્ર આપણે બનીએ તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે નમ્ર પ્રાર્થના છેજી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ, ત્યાં મુમુક્ષુવર્ગમાં ચર્ચવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૨૩, આંક ૪૩૩) પ્રશ્ન : વૈરાગ્ય શાથી રહે ?
પૂજ્યશ્રી : આખો લોક બળી રહ્યો છે એમ લાગે, ત્યારે રહે. જગતમાં કોઇ સુખી નથી. પુણ્યથી સુખી દેખાય છે; પણ સુખ નથી, દુ:ખ જ છે. ચારે ગતિના જીવો દુ:ખી જ છે. રાગ-દ્વેષ છે ત્યાં દુઃખ જ છે. આત્મા અનંત સુખનું ધામ છે, એમ જેને સમજાય, તેનું મન બીજામાં ન જાય. (બો-૧, પૃ.૮૦, આંક ૫)
ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધવાળા પત્રાંક ૫૦૬માં વૈરાગ્ય-ઉપશમના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે. તે વારંવા૨ સ્મૃતિમાં રાખી, વૈરાગ્ય-ઉપશમ કેટલો આ જીવમાં પરિણામ પામ્યો છે, તેની પરીક્ષા કરવા જ જાણે પરમકૃપાળુદેવે આ પ્રસંગ ઉપસ્થિત કર્યો છે એમ સમજી, તેવા પ્રસંગે વિશેષ વીર્ય સ્ફુરે; અને હડકાયું કૂતરું કરડેલું ત્યારે, જેમ જાગૃતિ રહેતી, તેથી વિશેષ જાગૃતિ રાખવા જેવો આ પ્રસંગ છે એમ ગણી, મનને વીલું મૂકવું નહીં, પ્રાસંગિક વાતોમાં બહુ છૂટું મૂકવું નહીં; પણ ક્ષણે-ક્ષણે તે શી ચિંતવના કરે છે, તેની ચોકી કરતા રહેવા ભલામણ છેજી.
કૂતરાના પ્રસંગમાં કોઇ પ્રત્યે દ્વેષનો સંભવ નહોતો, માત્ર મરણભયથી બચવાનો પુરુષાર્થ કર્તવ્ય હતો. અહીં તો તેથી વિશેષ જાગૃતિની જરૂર છે; કારણ કે અત્યારે અનિષ્ટ ભાસે છે તેવા પ્રસંગમાં, એક અંતર્મુહૂર્ત જો ચિત્ત સતત લાગ્યું રહ્યું તો આર્ત્તધ્યાન થયા વિના રહે નહીં, અને તે વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચ આદિ અધોગતિનું બંધાય, તો તે-તે ભવોમાં દ્વેષની વૃદ્ધિ કરતો જીવ ભટકે. ત્યાં પછીથી છૂટવાના પ્રસંગો કેટલા દૂર રહે તે સાવ સમજાય તેવું છે, માટે મુમુક્ષુજીવે કોઇ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. ધર્મધ્યાનનાં કારણો વિશેષ બળ કરી, બીજા ભાઇઓને વિનંતી કરીને પણ, જોડતા રહેવા યોગ્ય છેજી.