________________
૩૦૭
કામવિકાર
આખા સંસારમાં મુખ્ય વસ્તુ ભોગ છે. તે જેને નથી જોઇતો, તેને પછી બધું સહજે પરમાર્થમાં મદદરૂપ થાય છે. આખું જગત ભોગમાં પડયું છે. તેને અર્થે પૈસા એકઠા કરે, પાપ કરે, ન કરવા યોગ્ય કામ પણ કરે; પણ જેને સંસારનું મૂળ કારણ એવો આ ભોગ નથી જોઇતો, તેને તો બીજું સહજે છૂટી જાય છે; પણ એ બનવું બહુ વિકટ છે, કારણ કે અનાદિકાળના સંસ્કાર, સ્પર્શેન્દ્રિયના ઠેઠ એકેન્દ્રિયથી જ એની કેડે લાગેલા છે. એ છૂટવા માટે વિકટ સતત પુરુષાર્થની જરૂર છે. સારાં નિમિત્તોમાં રહી ઉપયોગપૂર્વક વર્તે તો કામ થઇ જાય એવું છે. (બો-૧, પૃ.૧૩૫, આંક ૧૦)
કામ, ક્રોધ અને લોભ – એ ત્રણ મોટા વિકારો છે. કામ છે, તે ભૂત જેવો છે. મનુષ્યને ગાંડો બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હોતો. (બો-૧, પૃ.૩૩૯, આંક ૯)
જીવનો મોહ ભોગની વાસનાને લઇને છે. ભોગની વાસનાથી પ્રબળ બંધ થાય છે. ભોગની વાસના ટળી જાય તો જીવને ઉપશમભાવ આવે. હું દેહરૂપ નથી, દેહનો ભોગ બંધનરૂપ છે, એમ લાગે તો વાસનામાં તણાય નહીં. વાસના ટળે તેથી ઉપશમભાવ આવે છે, તેથી મોક્ષ થાય. બ્રહ્મચર્યવ્રત ઉદ્ધાર કરે એવું છે. (બો-૧, પૃ.૧૯૬, આંક ૭૧)
કામ એ ખરાબ વસ્તુ છે. સ્ત્રીને અડવું, એ સાપ કરડવા કરતાં પણ વધારે માઠું છે, કારણ કે સાપ કરડવાથી તો એક જ વાર મરણ થાય, પણ સ્ત્રીનો સંસર્ગ કરવાથી, કામવિકાર થવાથી ભવોભવ જન્મમરણ કરવાં પડે છે. મહાદેવજી કાળફૂટ વિષને પોતાના ગળામાં રાખીને ફરતા હતા, પણ કામવાસનાને જીતી ન શક્યા. એ કાળકૂટ વિષ કરતાં પણ અતિ દુષ્કર છે. (બો-૧, પૃ.૫૪, આંક ૩૨)
D કામ છે, તે કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન થતાં સર્પ સમાન, રતિરૂપ મુખવાળો, હર્ષ-શોકરૂપ બે જીભવાળો, અજ્ઞાનરૂપ દરમાં રહેનારો, કામજ્વરરૂપ ઝેરી દાહથી દેહ-કાંચળીના ત્યાગરૂપ મરણ નીપજાવનારો છે. વિકારો ઉત્પન્ન થતાં પહેલાં જ દાબી દેવા, તેમ જ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાન-વિલેપનથી કામદાહ શાંત થતો નથી. તેને શાંત કરવામાં બાહ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તો મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું.
કામીપુરુષ લજ્જાહીન હોય છે. તેવા પુરુષ વિકારવશ થઇ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન અને ધ્યાનનો નાશ કરે છે. કામ વ્યાપેલા પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, જ્વર આવે છે અને મરણ પણ પામે છે. (બો-૧, પૃ.૧૩, આંક ૧૫)
પરદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભોગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઇ જીવ મહા અનર્થ કરી નાખે છે. પછી પસ્તાવો થાય છે, રોગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખો ભોગવે છે તે તો અસહ્ય હોય છે.
તેની ધર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બધાં પાપ તેની પૂંઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મમરણનાં દુ:ખો ભોગવતો જીવ ઘાંચીના બળદની પેઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લોકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીડાના પ્રહાર સહ્યા કરે છે.