________________
૩૭૮
હે ભગવાન ! દુશ્મનને પણ એવા પાપનો રસ્તો ન મળો, એમ સારા પુરુષો તો ઇચ્છે છે. (બો-૩, પૃ.૫૭, આંક ૪૨)
પરમકૃપાળુદેવ પત્રાંક ૪૭૦માં લખે છે : ‘‘તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાનીપુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો, તે યોગ્ય છે; અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્ષે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત હવે જાત્યંતર થવું યોગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાનીપુરુષ પ્રત્યે બંનેનો ભક્તિરાગ છે એવું બેય એક ગુરુપ્રત્યેનું શિષ્યપણું જોઇ, અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઇ જેવી બુદ્ધિએ, તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે.''
જેને મુમુક્ષુતા વર્ધમાન કરવી છે અને વિષય-કષાયમાં તણાવું નથી એવા દૃઢ નિશ્ચયવાળા આત્માર્થીને, ઉપર લખી જણાવેલો પત્ર અમૃત સમાન છે. સ્ત્રી સાથે વસવું પડતું હોય તોપણ તે આપણો મુમુક્ષુભાઇ છે, સદ્ગુરુની શ્રદ્ધાવાળો છે, તેના હૃદયમાં પરમપુરુષ પ્રત્યે પ્રેમ છે એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હોય તો તેને વિષયના સાધન તરીકે વાપરવાં કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિ-ભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયો છે, તો તેનું પણ વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાઓ અને હું પણ તેને જોઇને વૈરાગ્ય, ભક્તિનો બોધ પામું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઇ જાય.
તેની ભૂલ થાય તો આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ થાય તો તેણે આપણને ચેતાવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બંને આત્માઓનું પ્રવર્તન થાય તો ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકૂળતા થઇ પડે. બંનેની તેવી સમજણ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બંનેને એક સદ્ગુરુનો આશ્રય છે, એ આધારનો વિશેષ લક્ષ રહે અને હ્દય વૈરાગ્યવાળુ એકનું પણ હોય તો બંનેને લાભ થવા સંભવ છે.
પરમકૃપાળુદેવ મોક્ષમાળા પાઠ ૩૩માં લખે છે : ‘‘સત્યશીલનો સદા જય છે.’' પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ પરિચય, અભ્યાસ થવાથી વિષય-વિકાર સુકાઇ જવાનું કારણ બને છે. ‘‘સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.'’ (૫૧૧) તેની ભાવના અવશ્ય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૩૦, આંક ૧૩૦)
ત્રણે લોકને હરાવી દે એવો કામવિકાર છે, છતાં સત્સંગમાં ક્રમે-ક્રમે તે બળતો જાય છે.
‘‘નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.'' એમ વિચાર આવે તો ભોગની ઇચ્છા નીકળી જાય. ભોગની ઇચ્છા નીકળી જાય તો પછી બીજી ઇચ્છા ન રહે.
ખરાબમાં ખરાબ વસ્તુ શરીર છે. વસ્તુ જેમ છે, તેમ જીવને સમજાઇ નથી. ગંદવાડામાંથી સુખ લેવા જાય છે. આખા જગતમાં ગંદવાડો તો શરીરનો જ છે. વસ્તુસ્વરૂપ સમજાય તો કલ્પના છૂટી જાય. સાચી વસ્તુ સમજે તો બીજી ઇચ્છા ભાંગી જાય. દેહનો, ભોગનો અને સંસારનો વિચાર કરે તો તેથી પાછો હઠે.