________________
૩૭૨
જંજાળનું કારણ મારાપણું છે. જંજાળ ઓછી થાય તો કોઇ પૂછવા આવે નહીં. મારું ઘર, મારાં છોકરાં એ બધું ‘હું અને મારું’ જંજાળ છે. હું પૈસાદાર છું, હું મોટો છું એ બધી જંજાળ છે. અહંભાવ કાઢીને વિચારવું કે હું તો બધાથી નાનો છું. વિશાળવૃષ્ટિ થાય તો જીવને જંજાળ ઓછી થાય. જંજાળ લાગતી નથી, પણ મીઠાશ લાગે છે. મોક્ષે જવું હોય તો બીજાં કામ ઓછાં કરવાં પડશે. ચક્રવર્તી જેવા પણ છ ખંડ છોડીને ચાલી નીકળ્યા ત્યારે મોક્ષ થયો.
જગતમાં છોકરાં-છૈયાં, પૈસા બધો એંઠવાડો છે. એ એંઠવાડામાં વૃત્તિ હોય ત્યાં સુધી ભગવાન પ્રત્યે કેવી રીતે થાય ? ‘બળ્યો આ સંસાર' એમ કરી જેને છૂટવાની ઇચ્છા હોય, તે ભગવાનને સંભારે. પુણ્ય કર્યું હોય અને તેથી સ્ત્રી, પુત્ર, ધન વગેરે મળ્યું હોય તો એને દુઃખ માનવું અને ન મળ્યું હોય તો સુખ માનવું.
જે કરે તે ભોગવે. દીકરો કરે તો દીકરો ભોગવે, બાપ કરે તો બાપ ભોગવે. સર્વ જીવોની સત્તા જુદી-જુદી છે. (બો-૧, પૃ.૨૪૧, આંક ૧૩૧)
સત્પુરુષના સમાગમની ભાવના કરવી. કુટુંબીઓની સંભાળ કરવી પડે તો પૂર્વનું બાંધેલું કર્મ છે, એમ ગણી વેઠરૂપે કરવી.
પોતાની સંભાળ પહેલાં લેવી. પરોપકાર પછી કરવો. પોતાનું નહીં કરે તો રઝળવું પડશે. (બો-૧, પૃ.૨૪૬, આંક ૧૩૯)
ક્લેશ
Ū કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ધર્મભાવનાની વૃદ્ધિ અર્થે, સદ્ભાવનામાં ચિત્ત જોડાય તે અર્થે સત્સંગ, સત્પુરુષની સ્મૃતિ ઉપકારક છે; સંસારભાવમાં વહી જતા જીવને બચાવે છેજી.
તેમ છતાં પૂર્વકર્મના અંતરાયયોગે ભાવના પ્રમાણે ન બને તો ક્લેશિત થવા યોગ્ય નથી. વારંવાર ભાવના થતાં કર્મની મંદતા થયે તેવી અનુકૂળતા મળી પણ આવે ત્યારે ભાવના સફળ થાય છે. આપણે તો ધર્મભાવના કર્યા કરવી. ફળ આવતું ન દેખાય તોપણ ગભરાવું નહીં. મોટું ઝાડ, જાડા થડવાળું હોય તેને કાપવાની શરૂઆત કરે ત્યારથી તે નીચે પડી જતું નથી; ઘણા ઘા માર્યા છતાં થોડે-થોડે થડ કપાતું જાય છે. વધારે કપાય ત્યારે તે નીચે પડી જાય છે. તેમ આપણું કામ સત્પુરુષાર્થ કર્યા રહેવાનું છે. સારી ભાવનામાં ચિત્તને રોકવું.
જેવા દિવસ કર્મના ઉદયે આવી પડે તે જોયા કરવા; હર્ષ-વિષાદ કર્તવ્ય નથીજી. રાત અને દિવસની પેઠે હર્ષ-શોકના પ્રસંગો આવે તે સમભાવે જોયા કરવા, ગભરાવું નહીં. આથી વિશેષ મૂંઝવણ આવો પણ સ્મરણ ચૂકવું નથી, એટલી દૃઢતા રાખવી ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦)
પૂ. ની ભાવના સત્સંગ અર્થે આવવા ઘણી રહે છે તે જાણ્યું. પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે ભલું માનવામાં આવે તેવી વૃત્તિ ટકે તો મોટું આશ્વાસન મળી રહેશે. વળી સદ્ગુરુકૃપાએ થોડા દિવસમાં અહીંથી ધામણ ભણી આવવાનું બનશે ત્યારે તેમને આશ્રમમાં આવવાતુલ્ય યોગ બની આવવા સંભવ છેજી.