________________
૩૬૩
જાણીએ છીએ.'' (૨૫૫) આવા ભાવોની, વિદેહીદશાની પરીક્ષા આ જીવને ક્યાંથી થાય ? તેના ચરણની ઉપાસના એ જ તેના જ્ઞાનનો અંશ પામી સંસારથી તરવાનો ઉપાય છે, તે સહજ જણાવવા આ લખ્યું છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે, તે મહાભાગ્યનું ફળ છે; તે ટકી રહી તો સંસારનો ભાર નથી કે જીવને તેમાં વધારે ગોથાં ખવડાવે, માટે મંત્રસ્મરણ, ભક્તિમાં તલ્લીન રહેવાનું રાખશો. જેની ભક્તિ સાચી હોય, તેને જ વિકટતારૂપી કસોટી ઉપર ચઢવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. માટે હિંમત હારવી નહીં. દૃઢ શ્રદ્ધા સહિત બને તે કરી છૂટવું, પણ ગભરાવું નહીં. આ કસોટીમાં પાસ થાય તે ઉચ્ચદશાને પામે, એવો નિશ્ચય રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૭૮૯, આંક ૧૦૦૮)
D પ્રારબ્ધ પ્રમાણે કુળ, જ્ઞાતિ, ગામ આદિ જેમ પ્રાપ્ત થયાં છે, તેમ ધન, સંપત્તિ, સુખદુઃખ આદિ પણ પ્રાપ્ત થાય છે. તેને અંગે, ધંધા આદિ કારણે, સંસ્કાર અનુસાર ચેતન-અચેતન પદાર્થોના પ્રસંગમાં જીવ આવે છે; પરંતુ નવીન કર્મનો બંધ, પોતાના વર્તમાન ભાવ-પરિણામ ઉપર આધાર રાખે છે.
જો શુભભાવ – સદાચરણના, ન્યાયનીતિના કે પરોપકારના – વર્તતા હોય તો જીવ પુણ્ય બાંધે છે; તેમ જ ઇર્ષા, અદેખાઇ, પરનું અહિત કરવાના, પાપ-આચરણના, સાંસારિક ભોગ ભોગવવાના ભાવ વર્તતા હોય તો તેથી પાપ બંધાય છે.
આમ પુણ્ય-પાપ બાંધી, તેનાં ફળ સુખદુઃખ ઉદયમાં આવે છે ત્યારે તે જીવ ભોગવે છે. વળી પાછો ભોગવતાં, જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. એમ અનાદિકાળથી સંસાર-પરિભ્રમણમાં જીવ ભમે છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે :
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.’
""
આટલી એક ગાથામાં આખું સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાનું સ્વરૂપ પણ સાથે આવી જાય છે, પરંતુ યોગ્યતા પ્રમાણે સમજાવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૩, આંક ૬૧)
કોઇ પૂર્વના સંસ્કારે કંકાસ-ક્લેશ અને અપશબ્દોનો વરસાદ વરસાવનારી મા મળી હોય, તેનાં છોકરાં પણ ટેવાઇ જાય છે અને જાણે છે કે એ તો એવું જ બોલે, ખોટું લગાડયે ક્યાં પાર આવે તેમ છે ? તેમ પ્રતિકૂળ સંયોગોથી ભરપૂર આ સંસારરૂપ જનની સાથે પાનાં પડયાં છે, તેને પણ જીવે વારંવાર ગણકારવા યોગ્ય નથી; તે તો તેનો સ્વભાવ ભજવે અને આપણે આપણું - સત્પુરુષે બતાવેલું - કામ કર્યા જવાનું છેજી. સંસારની ઉપાધિ પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કર્યે પાર આવે તેમ નથી. સંસાર સંબંધી જેમ થતું હોય તેમ થવા દઈ, મે'માનની પેઠે થોડા દિવસ આ સંસારમાં રહેવાનું છે, ત્યાં સુધી તે દુઃખદાયી સંસારમાં ફરી જન્મવું ન પડે તેવું કાર્ય - જ્ઞાનીની આજ્ઞાનું આરાધન - કરી લેવાની ચાનક, હૃદયમાં નિરંતર રાખવી ઘટે છેજી.
રયણાદેવીની વાત ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા. (ઉપદેશમૃત પૃ.૧૯૭ ફૂટનોટ) તેવું સંસારનું સ્વરૂપ છે. તેના તરફ નજર પણ કરવા યોગ્ય નથી; નહીં તો સદ્ગુરુએ આપેલા સાધનરૂપ મગરમચ્છની પીઠ ઉપરથી ઉછાળી, કટકે-કટકા કરી, સમુદ્રમાં પત્તો ન લાગે તેમ વેરી દે, અનંત પરિભ્રમણ કરાવે તેવો સંસાર છેજી.