________________
૩૬૪)
પ.પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે, નીચે લખ્યું છે, તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા છેજી: “એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જાણ્યો છે, તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો કરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તોપણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ દ્રઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે, તે બધું જવાનું છે; પણ આત્માનો કદી નાશ થનાર નથી. તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણે માની હર્ષ-શોક કરવા જેવું નથી. આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી, બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાના છે તેથી મૂંઝાવું શું? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું; નહીં તો પ્રમાદ થાત. સદગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી.' (ઉપદેશામૃત પૃ.૩૩૯) આટલું વારંવાર વિચારી, સમજી, જો જીવ આચરણમાં મૂકે તો પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના બીજી ઇચ્છાઓ અને નિમિત્તોમાં તણાઈ ન જવાય તેવી જાગૃતિ રાખી, જીવ અભ્યાસ આદરે તો અમૃત સમાન આટલો બોધ, જીવને જન્મમરણનાં દુઃખોમાંથી બચાવી, પરમપદ પમાડે તેવો છેજી. જ્ઞાની પુરુષોએ અનંત દયા આણીને, આપણા જેવા માર્ગના અજાણ જીવોને, આ કાળમાં સર્વ શાસ્ત્રના સારરૂપ ટૂંકી વાત જણાવી; તેની પકડ કરી લેવી તે આપણા હાથની વાત છે). એમાં બીજા કોઈનું બળ કામ આવે તેમ નથી. માટે મરણિયા થઈને આટલું તો જરૂર કરી લેવા યોગ્ય છેજી.
(બો-૩, પૃ.૨૪૪, આંક ૨૩૮) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છેઃ “આ જગત ધૂતારું પાટણ છે; જાગે તે જીવે, ઊંધે તે મરે.”
આખો લોક વિબો, ક્લેશો, દુઃખો અને ત્રિવિધ તાપથી ભરેલો છે. એવા ભય ભરેલા સંસારમાં નિર્ભય રહેવા યોગ્ય નથી. કોઈ માતારૂપે, કોઈ પિતારૂપે, કોઈ પુત્રરૂપે, કોઇ ભાઇરૂપે, કોઈ ભત્રીજારૂપે, કોઈ ભત્રીજીરૂપે, કોઈ પત્નીરૂપે, કોઈ પતિરૂપે આ સંસારસમુદ્રમાં મગરની પેઠે, આપણને ઊંડા જળમાં ખેંચી જવા મથે છે; અનેક પ્રકારની કલ્પનાઓરૂપી વમળમાં આ જીવ ગૂંચાયો છે. માથે મરણ ભમે છે. લીધો કે લેશે થઈ રહ્યું છે.