________________
૩૪૨
જ્યાં જ્યાં મનને ગમે છે, ત્યાં ત્યાં તે વારંવાર જાય છે. માટે સત્પુરુષનું કહેલું મનને ગમે, તેવું કરવા વિશેષ પુરુષાર્થની, વિશેષ સત્સંગની, સત્શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. તેમાં વિઘ્ન કરનાર દોષો નહીં ટાળીએ તો સમાધિમરણ કેમ થશે ? એવી જીવને હજી ફિકર પેઠી નથી.
માટે વિશેષ-વિશેષ વિચાર કરીને, વિષય-કષાય આદિની તુચ્છતા, ઘડીએ-ઘડીએ, પ્રસંગે-પ્રસંગે વિચારી, મનને ચેતાવતા રહેવાથી, તેને ધર્મધ્યાનમાં રહેવાની ટેવ પડશે; નહીં તો આર્તધ્યાન કરી, ઢોર-પશુની ગતિમાં ખેંચી જાય તેવો મનનો નીચો ઢાળો છે. (બો-૩, પૃ.૨૧૫, આંક ૨૧૨)
જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભોગવવાં પડે છે, પણ મન અહીં રાખશો તો તમે અહીં જ છો; અને અહીં રહેનારનું મન બીજે હોય તો તે બીજે છે. માટે મનને સત્પુરુષનાં વચનોમાં રાખશો તો તે મહેનતનું ફળ અલેખે નહીં જાય. ન સમજાતું હોય તોપણ મનને આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરેના વિચારમાં જોડવું. એમ પુરુષાર્થ કરશો તો સદ્ગુરુકૃપાથી બોધનો યોગ મળતાં, સમજાય તેવી ભૂમિકા તૈયાર થશે. (બો-૩, પૃ.૭૫, આંક ૬૩)
મનના આધારે બંધન થાય છે. મન સવળું થાય તો મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે. મનના આધારે ઇન્દ્રિયો પણ વર્તે છે, માટે મનને વશ કરવું એ સર્વોત્તમ ઉપાય છે.
પરમકૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ ૬૮ ‘જિતેન્દ્રિયતા’, પાઠ ૬૯ ‘બ્રહ્મચર્યની નવ વાડ' તથા પાઠ ૧૦૦ ‘મનોનિગ્રહના વિઘ્નો' - એ ત્રણ પાઠોમાં જે જણાવ્યું છે, તેનો હાલ તો અભ્યાસ કરો અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ વિચારવાનું રાખવું.
મહાપુરુષના માર્ગે, તેનાં વચનોને અનુસરીને, મનને વાળવું અને પાપને માટે અત્યંત પશ્ચાત્તાપ કરતાં રહેવું. ક્ષમાપના પાઠ આદિ વારંવાર વિચારવું. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮)
D જગત તો જેવું દેખશે તેવું કહેશે, પણ મુમુક્ષુજીવ બીજાના અભિપ્રાય કરતાં પોતાના આત્મહિતનો લક્ષ રાખી, પોતાના મનને અહિતમાં જતું અટકાવવા બળવાન પુરુષાર્થ કરે છેજી:
મનને આધારે બંધન કે મોક્ષ થાય તેવું ચિંતવન બને છે અને નિમિત્તાધીન મન હોવાથી સારા નિમિત્તમાં જોડી રાખે તો તે તોફાન કરે નહીં, પાપમાં પ્રવર્તે નહીં. આખો દિવસ સ્મરણમાં મનને ગમે નહીં અને બીજે ભટકે, માટે કંઇ ને કંઇ શુભવૃત્તિમાં જોડી રાખવા ભલામણ છેજી.
સાજા હોઇએ ત્યારે તો ધંધા વગેરેમાં મન જોડાવાથી અશુભમાં જવાનો પ્રસંગ ઓછો રહે, માટે માંદગીને વખતે વિશેષ બળ કરીને પણ ભક્તિ વગેરેનો ક્રમ યથાશક્તિ રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૨૩, આંક ૫૬૮)
મનની ચંચળતા સંબંધી તમે લખ્યું તે બરાબર છે, પણ જેમ વૈરાગ્ય, ઇન્દ્રિયજય અને એકાંતસહ સત્ક્રુતનું સેવન થશે તેમ તેમ સ્થિરતા, મનની થવા યોગ્ય છે. ‘‘અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.’’ (૨૫) જણાવ્યા પ્રમાણે લક્ષ લેશોજી. (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૪૧)