________________
૩૪૬
આમ ચક્રમાંથી છૂટવા માટે વિપર્યાસ છોડી દેવાની જરૂર છે. દેહાધ્યાસ કે વિપર્યાસ છોડે તેને મનોવિકારનું જાળું પોતાનાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને એ જુદું જુએ તો આત્મા તેથી ભિન્ન ભાસે; આત્મા તેને નિરંતર આનંદમય લાગે. પછી એને દુઃખ ઉપર દ્વેષ થતો નથી, સુખ મેળવવા માટે ઇચ્છા થતી નથી. આવી રીતે મનથી તે અલગ થતાં, મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઇન્દ્રિયોનાં વિષયો ઉપર તેને સ્નેહ થતો નથી; અને એક વાર સ્નેહચીકાશ ગયો એટલે કર્મપરમાણુનો સંચય થતો એકદમ અટકી જાય છે. આમ નિઃસ્પૃહ થવાથી અને સંસારબીજનો નાશ થયેલો હોવાથી એ મુક્તજીવોની માફક ભવાંતરનો આરંભ કરતો નથી અને તેથી ભવચક્ર ફરતું બંધ થાય છે.'
વારંવાર આ પત્ર વાંચી, તેમાં કહેલી વાતો જીવન દરમ્યાન આચારમાં મૂકતાં જવાય તો જીવન-સાફલ્ય સધાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૦૨, આંક ૨૯૨)
આ જીવને મહત્ પુણ્યોદય હોય છે ત્યારે જ ચિત્ત-સ્થિરતાનો ક્રમ હાથ આવે છે. તે જ કરવાનું છે. તે જ વૃત્તિને પોષણ મળે તેવો પુરુષાર્થ કર્યા કરવો.
શાંતપણું એ જ પોતાનો સ્વભાવ છે; તેવો અનુભવ થયે, બીજા ભાવોમાંથી આત્માનું છૂટવું થાય છે. પોતાનો આત્મા આનંદનું ધામ છે, તેવી પ્રતીતિ થયે ૫૨વસ્તુ તરફ ચિત્તનો પ્રવાહ વહેતો નથી. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭)
D જીવનમુક્તનું મન પૂર્ણપદને ઇચ્છે છે, પૂર્ણપદની છાયા તેને દેખાય છે. એ રાગ-દ્વેષ કરતો નથી. ત્યાં મનને અવલંબન પૂર્ણપદનું છે. ધ્યાનમાં મન પૂર્ણપદમાં રહે છે. એને રાગાદિ થાય નહીં, ઇચ્છાય નથી થતી. આ જગત હાલતું-ચાલતું દેખાતું નથી, પણ એને કાષ્ઠતૃણવત્ આખું જગત લાગે છે. વિષયોની ઉત્સુકતા નથી. તૃષ્ણા રહી નથી. ‘આ સારું છે, આ ખોટું છે.' એ મનમાંથી નીકળી ગયું છે. મન શાંત થયું છે.
ઊંઘમાં મન મૂઢ છે, વિચાર કરી શકતું નથી; સ્વપ્નમાં મોહ હોય છે; જાગૃતિમાં મૂંઝવણ, ઇષ્ટ-અનિષ્ટ રહે છે. નિદ્રા, સ્વપ્ન, જાગૃત એ ત્રણેથી એની જુદી અવસ્થા છે. (બો-૧, પૃ.૧૯૧, આંક ૬૬) મનને જ્યાં ગમે, ત્યાં જાય છે. અવિચારમાં હોય ત્યારે જગતમાં મન ભમે છે. એ મન ભમે છે ત્યારે બંધન થાય છે. આત્મવિચાર જાગતાં જગત ખોટું લાગે છે. મન આત્મવિચારમાં આવે તો લય થાય. મન જેવું છે, તેવું જગત છે. ‘આપ ભલા તો જગ ભલા.' મન જો પ્રફુલ્લિત હોય તો બધે સારું થાય. મનની વાસના-આસક્તિથી જ બંધ છે. મનને વશ કરવું હોય તો જ્ઞાનીનો બોધ સાંભળો.
આ સારું છે, આ ખોટું છે, આ મારું છે, વગેરે વિકલ્પોથી મન પાછું હઠે, એ વિકલ્પો ભુલાય નિર્વિકલ્પ સમાધિ થાય. ત્યાં આગળ મન લય થઇ જાય.
જાગ્રત હોય ત્યારે મન ભટકે છે, સ્વપ્નદશામાં મૂઢ જેવું છે અને નિરાંતે ઊંઘે છે ત્યારે મડદા જેવું છે. એ સિવાય ચોથી ઉજાગરદશા છે, તે જ્ઞાન છે.
મનની અશુદ્ધતા ક્ષય થઇ જાય તો નિર્મળ થાય. મનમાં ક્લેશ હોય ત્યાં સંસાર છે, ત્યાં જ બંધ છે. ચિત્તને આશ્રયે બધી પ્રવૃત્તિ થાય છે. જેટલો પુરુષાર્થ થાય તેટલો કરીને મનને પ્રથમ જીતો. દાંત પીસી