________________
૩૪૧
સર્વ ભૂલી જવાનું છે. જેણે, વહેલી તે તૈયારી કરી, તે વહેલો સુખી થશેજી. જે સંભાર-સંભાર કરશે તે પરભવમાં પણ વૈરભાવ લઇ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વેર-મૈત્રીભાવ ધારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઇ, પરભવ માટે તૈયાર રહેવું, એ ઉત્તમ સનાતન માર્ગ છેજી. (બો-૩, પૃ.૫૨૪, આંક ૫૭૧)
આખા વર્ષમાં કંઇ પણ આપણા મન-વચન-કાયાથી વિપરીત વર્તન થયું હોય તે ભૂલી જઇ, જાણે થયું જ નથી એમ ગણી, મૈત્રીભાવ વધારી વર્તવાને માટે પર્યુષણપર્વની યોજના સનાતન રીતિએ ચાલી આવે છે. તેનો લાભ લઇ, મૈત્રીભાવમાં તૂટક પડવાનાં કારણો હોય તેમાં પોતાનો કેટલો દોષ છે તે તપાસી, તે સુધારી લઇ, આપણા નિમિત્તે કોઇને ક્રોધાદિમાં પ્રવર્તવું પડયું હોય તેની ઉત્તમ ક્ષમા યાચી લેવી ઘટે છે. (બો-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮)
મરણને રોજ વિચારી સમાધિમરણની તૈયારી કરતા રહેવાની જરૂર છે. જે જે જીવાને અવિનય, સંતાપ આદિ વડે દૂભવ્યા હોય, તેમની પાસે નમ્રપણે, તેવા દોષો ફરી ન કરવાની ભાવનાથી ક્ષમા યાચી, નિઃશલ્ય થવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧)
મન
કર્મના ઉદય ક્ષેત્ર-ફરસના હોય ત્યાં રહેવું, જવું, આવવું થાય છે; પરંતુ ભાવ પોતાના હાથમાં છે. જેમ ખોટા વિચારો મનમાં આવે છે તેમ જો મનને સારા ભાવમાં રાખવાનો અભ્યાસ કરીએ તો સારા ભાવમાં પણ તે રહે. તેથી જેને આત્માનું કલ્યાણ કરવું છે, તેણે તો મનને સદ્ગુરુએ બતાવેલા સાધનમાં રોકવાનો અભ્યાસ કર્તવ્ય છે.
આડાઅવળી મન ભટકતું હોય તેને મંત્રના સ્મરણમાં કે વીસ દોહરામાં, ક્ષમાપનાના પાઠમાં, આત્મસિદ્ધિમાં કે છ પદના પત્રમાં રોકવું ધારીએ તો તેમાં તે રોકાય છે; માટે મનને વીલું મૂકવા જેવું નથી. નવરું રહે તો નખ્ખોદ વાળી નાખે તેવો તેનો સ્વભાવ છે.
સત્સંગ-સમાગમનો જોગ હોય ત્યારે સહેજે સારાં નિમિત્તો મળતાં રહે છે, પણ તેવો જોગ ન હોય ત્યારે સત્પુરુષનાં કહેલાં વચનો સત્સંગતુલ્ય જાણી, અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા યોગ્ય છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦)
D બીજે ચિત્ત જતું અટકાવી, સત્પુરુષે જણાવેલા સત્સાધનમાં વારંવાર લક્ષ રાખવા યોગ્ય છેજી. આધિ-વ્યાધિ-ઉપાધિથી આખો લોક બળતો છે. તેમાં સત્પુરુષનાં વચનો એક શાંતિ આપે તેવાં છે. તેની ઉપાસના માટે, વિચાર માટે શરીર આદિનાં સુખદુઃખથી બળ કરીને મન ખસેડી, વારંવાર સદ્ગુરુની શિખામણમાં મન રોકવા યોગ્ય છેજી.
‘‘હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?'' (બો-૩, પૃ.૨૪૧, આંક ૨૩૫)
થોડી વાર મારે બીજા વિચાર કરવા નથી, માળા ગણતાં સુધી કે ભક્તિ કરતાં સુધી, બધું ભૂલી જવું છે, એમ વિચાર કર્યા છતાં કેમ મન ઠેકાણે નહીં રહેતું હોય ? કેમ કે તેણે સુખની કલ્પના બીજી વસ્તુઓમાં કરી છે.