________________
૩૩૪
અમુક સાથે તો મારે અબોલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હોય, તે વિચારી, દરેકે પોતાના આત્મહિત માટે નમતું મૂકી, કંઇક ઘસાઇને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્વક કર્તવ્ય છે. માત્ર ઉપર-ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પોતાના દોષની ક્ષમા માગીને આ પર્વને સફળ કરવા યોગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના છેજી. (બો-૩, પૃ.૩૬૯, આંક ૩૭૨)
D આપ મુમુક્ષુ ભાઇબહેનોમાં કોઇ સાસાંરિક કારણે કે ધર્મના નિમિત્તે એકબીજા પ્રત્યે વેરવિરોધનાં કારણો ઊભાં થયાં હોય, તે પરસ્પર સમજી લઇને, એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં-આવતાં ન હોય, બોલાચાલીનો પ્રસંગ બંધ થયો હોય તેવા નિમિત્તો સમજૂતીથી પાંચ જણ મળી પતાવી, આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્તો તો આ વર્ષના પર્યુષણપર્વ યથાર્થ થયા ગણાય.
પૂર્વકર્મને લઇને જીવની વૃત્તિ બીજાનું ભૂંડું કરવામાં, નિંદા, ઇર્ષા પોષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસોમાં સંપ કરાવવાનો પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે.
‘‘કલ્યાણ શું હશે ?'’ એમ ઉપદેશછાયામાં (પૃ.૭૩૩) પ્રશ્ન છે અને ત્યાં તેનો ઉત્તર પણ છે કે, “કષાય ઘટે તે કલ્યાણ.'' તો આપણો અને બીજા આપણા સંબંધીઓના કષાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની યોજના કરી છે, કારણ કે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં, સત્સંગ-ભક્તિ આદિના પ્રસંગોમાં વિઘ્ન કરનાર કષાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવોની વૃત્તિ દોરાય, લોકોમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને, તેવો પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઇબહેનોને ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૬૭, આંક ૩૬૮)
રાગદ્વેષે મમત્વે મેં, જે જે જીવ વિરાધિયા; ક્ષમા ઘો મુજને તે સૌ, હું યે ક્ષમા દઉં સદા.
જો સર્વને અનુકૂળ આવે તો એક દિવસ વધારે ધર્મધ્યાન કરવામાં વિશેષ લાભ છે એમ જાણી, છેલ્લો પરસ્પર ખમાવવાનો પ્રતિક્રમણદિન ભાદરવા સુદ પાંચમનો રાખવા ભલામણ છેજી.
‘કષાય ઘટે તે કલ્યાણ.’’ એમ પરમકૃપાળુદેવનું જણાવવું છે તે લક્ષમાં રાખી, થોડા છાપરાનું ગામ છે તો સર્વ હળીમળી ધર્મભાવનામાં જોડાય અને છેલ્લે દિવસે કોઇના મનમાં અણબનાવ ન રહે, તેવું વર્તન રાખવા વિનંતી છેજી.
ક્ષમા માગવા જતાં ખોટું લાગે તેમ જેને હોય, તેને પરાણે છંછેડવાની જરૂર નથી, પણ આપણું દિલ ચોખ્ખું રાખીશું તો જરૂર વહેલેમોડે જે અતડો રહેતો હશે તે ભળી જશે. આપણું ભૂંડું કરનારનું પણ ભલું થાઓ, એવી અંતરની ઇચ્છા, દરેક મુમુક્ષુના હૃદયમાં પ્રગટ જાગ્રત રહેવી ઘટે છેજી.