________________
૨૭૫
સ્થિતપ્રજ્ઞ
D સ્થિતપ્રજ્ઞ, તીવ્રજ્ઞાન અને પરમાવગાઢદશા લગભગ સરખી સમજાય છે. પરમકૃપાળુદેવના જ્ઞાનમાં હોય તે સાચું. એ ઉત્તમ પૂજ્ય દશા - ‘‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત'' - અત્યારે આપણી કલ્પનામાં આવવી દુર્લભ છે, છતાં શ્રી સદ્ગુરુએ પ્રાપ્ત કરી છે, એ જ મને પ્રાપ્ત થાઓ. મૂળસ્વરૂપ મારું તેવું છતાં હું અત્યારે શામાં આનંદ માનું છું ? એ વિચારી ‘‘અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે.'' (૮૩૩) આ વાતનો લક્ષ લેવો ધટે છેજી. એ પત્ર, આખો મનન કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫) D સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી ઉતારી મોકલું છું, તે વિચારશોજી.
અર્જુન પૂછે છે (અધ્યાય બીજો, શ્લોક ૫૪થી ૭૨) : ‘“હે કેશવ ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું ? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે ? કેવી રીતે બેસે - ઇન્દ્રિયોનો નિગ્રહ કરે ? અને કેવી રીતે વર્તે ?''
શ્રી ભગવાન બોલ્યા : ‘હે પાર્થ ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને મનુષ્ય તજી દે છે, અને આત્મા વડે જ આત્મામાં સંતોષ પામે છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ઉદ્વેગરહિત મનવાળો, સુખોમાં સ્પૃહારહિત અને જેના રાગ, ભય તથા ક્રોધ દૂર થયા છે, એવા મુનિ (વીતરાગ, વીતક્રોધ, વીતભય) સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
જે સર્વત્ર આસક્તિ વિનાનો હોઇ, તે તે શુભ કે અશુભ પામીને આનંદ પામતો નથી કે દ્વેષ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર થયેલી છે. જેમ કાચબો સર્વ તરફથી અંગોને સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે.
નિરાહારી મનુષ્યોના વિષયો (વાસના ગયા વિના રસ જતો નથી) નિવૃત્ત થાય છે; પરંતુ બ્રહ્મનો સાક્ષાત્કાર કરીને એની વાસના પણ નિવૃત્ત થાય છે. હે કૌંતેય (અર્જુન) ! મથી નાખનારી ઇન્દ્રિયો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ બળાત્કારે વિષયોમાં ખેંચી જાય છે. માટે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી સ્થિરચિત્ત અને મારા (પરમાત્મા) પરાયણ રહેવું; કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે, તેની (જિતેન્દ્રિયની) બુદ્ધિ સ્થિર થાય છે.
વિષયોનું ચિંતન કરતા મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે, કામથી ક્રોધ ઊપજે છે, ક્રોધથી સંમોહ (વિવેકહીનતા) ઊપજે છે, સંમોહથી સ્મૃતિનો નાશ થાય છે (ઉપયોગ ચૂકે છે), સ્મૃતિનાશથી બુદ્ધિનો (પ્રજ્ઞાનો) નાશ થાય છે, તેથી સંપૂર્ણ નાશ થાય છે.
વશ અંતઃકરણવાળો (કૃઢ નિશ્ચય, પકડવાળો) મનુષ્ય રાગ-દ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતાં છતાં ચિત્તની નિર્મળતાને પામે છે. ચિત્તની નિર્મળતા થતાં, એનાં સર્વ દુઃખોનો નાશ થાય છે; કારણ કે નિર્મળ ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ સ્થિર થાય છે.
અયુક્તને (અયોગી - ચિત્તને વશ ન કરનારને) બુદ્ધિ નથી અને તેને ભાવના પણ (બ્રહ્માકાર અંતઃકરણની વૃત્તિનો પ્રવાહ : ‘‘વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.'') નથી; ભાવનારહિતને શાંતિ નથી અને શાંતિરહિતને સુખ ક્યાંથી હોય ? કારણ કે વિષયોમાં ભટકતી