________________
૩૦૯)
જાય ત્યારે બધુંય પડયું રહે છે, તેને ઘરમાં કોઈ રાખતું નથી, બાળી નાખે છે અને અત્યારે ઘરથી કાઢી મૂકતા નથી, તેનું કારણ શું? તું કહે છે કે અંદર જીવ છે, તે જતો રહે છે, પછી બાળી નાખે છે; તો તે જીવ વસુમતી કે દેહ વસુમતી ? બીજે જીવ જન્મે તો વસુમતી તરીકે કોઈ નહીં ઓળખે, બીજું નામ પાડશે; તો જીવ પણ વસુમતી ન નીકળ્યો. આમાં હું કોણ છું? તેનો વિચાર જીવે નથી કર્યો. પોતાનું સ્વરૂપ, જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે શ્રદ્ધા કરવી અને ચારિત્ર એટલે સ્થિર થવું, એ છે. તેનું ઓળખાણ નથી, તે જ મોટી ભૂલ છે. તે જ ભૂલને લીધે “દેહ તે હું એવું થઈ ગયું છે. દેહ દેખાય છે, પણ દેખનારો દેખાતો નથી. તેને ઓળખવા જ્ઞાની પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી, તેની આજ્ઞા આરાધે તો કોઇક દિવસે શુદ્ધ આત્માનું ભાન થાય તેમ છે. તેનો વિચાર સમાધિસોપાનમાં પાછળના પત્રોમાં આવશે. તે વાંચવા-વિચારવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૬) આંક ૯૬૦) ભૂતકાળની વાત ભૂલી જવી. માત્ર ભૂલ થઇ હોય, તેવી ફરી ન થવા બાબત શિખામણ, તેમાંથી ગ્રહણ કરવી; પણ ભૂલોને સંભાર-સંભાર ન કરવી. રસ્તામાં પડેલા કાંટા-કાંકરાને કોઈ સંભાર-સંભાર નથી કરતું, પણ સાચવીને ચાલવાની કાળજી રાખે છે; તેમ વર્તમાન વર્તન પ્રત્યે લક્ષ રાખી, રાગ-દ્વેષ ઓછાં કરવાની કાળજી રાખતા રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫)
કષાય
અનંતકાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છેજી. તે દોષને દોષરૂપ જાણી, તેથી સદાયને માટે છૂટવાની ભાવના સદ્ગુરુયોગે જાગે છેજી. ધર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે, પણ કષાય ઘટાડી, સદ્ગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જીવે કર્યું નથી. તે કરવાનો લાગ એક આ મનુષ્યભવમાં છે; તો જેમ બને તેમ સર્વ જીવ પ્રત્યે નિર્વેરબુદ્ધિ, મૈત્રીભાવ રાખી વર્તવાનું કરે, બીજાના ગુણ જોવાની દ્રષ્ટિ રાખે અને પોતાના દોષ દેખી ટાળવાનો પુરુષાર્થ કરે તથા સર્વ જીવનું કલ્યાણ થાઓ એમ ઇચ્છે, પોતાનાથી બને તેટલી બીજાને સારા કામમાં મદદ કરે અને પોતાનું બને તેટલું કર્યા છતાં કોઈનું હિત ન થાય તેમ લાગે ત્યાં મધ્યસ્થભાવ રાખવાનો અભ્યાસ કરે તો જીવ જ્ઞાનીપુરુષના માર્ગને યોગ્ય થાય. જે જે બંધનના, કષાયના, અજ્ઞાનના ભાવ છે તે દૂર કર્યા વિના સપુરુષની સમજણનો વારસ જીવ કેવી રીતે બને? (બી-૩, પૃ.૪૨૫, આંક ૪૩૬) T કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે, તેવા ભાવ કરવા બધો પુરુષાર્થ છેજી. જો બે ઘડી સુધી કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધનો પ્રવાહ ચાલુ રહ્યો તો ઘણા દિવસ અને ઘણી રાત્રિઓ સુધી કરેલો શ્રમ બે ઘડીમાં બાળી ભસ્મ કરી નાખે તેવી ક્રોધમાં તાકાત છે.