________________
૨૧૧
સ્વપ્ન જેવા આ સંસારમાં રાજી પણ ન થવું અને ક્રોધ, દ્વેષ, અણગમો, ઉદ્વેગ પણ ન કરવો. જે થાય તે જોયા કરવું. છૂટવા માટે જ જીવવું છે. જે આવે તે પ્રત્યે સમભાવ રહે તો પૂર્વનાં કર્મ દેખાવ દઇ ચાલ્યાં જાય, પણ જો ત્યાં ભાવ-અભાવ કરવા જાય તો નવાં કર્મ બંધાય છે. માટે આણે આમ કેમ ન કર્યું, એમ ન વિચારવું. જેવાં જેનાં કર્મ છે, તે પ્રમાણે તે વર્તે છે.
બાવળ ઉપર કાંટા હોય; તે કેરી ક્યાંથી આપે ? માટે શૂળ જોઇતી હોય તો બાવળ પાસે જવું અને કેરી જોઇતી હોય તો આંબા પાસે જવું. તેમ સત્પુરુષ પાસે શાંતિ, સમાધિ, સુખ, આનંદ, મુક્તિ મળે અને સંસારમાં દુઃખ, ક્લેશ, બળતરા, ખેદ, શોક, કંટાળો ભરેલો છે. જો ત્યાં મન રાખીશું તો તેવું ફળ મળશે.
આ શિખામણનો વિચાર કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રે છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, અપૂર્વ અવસર લખી જે બોધ દીધો છે, તેને પગલે-પગલે વર્તવા વૈરાગ્ય-ઉપશમ વધારી ભક્તિ કરીશું તો મોક્ષ મળશે; અને મંત્ર વગેરે ભૂલી જો રોયા કરીશું, સંસારી જીવોમાં મન રાખીશું તો જન્મમરણ છૂટશે નહીં અને આ ભવમાં જે દુઃખો દેખાય છે તેથી વધારે દુઃખો પરભવમાં ભોગવવાં પડશે. માટે આ આત્માની દયા લાવી, તેને હવે ફરી કોઇને પેટે અવતરવું ન પડે એટલા માટે સાચા સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું અચૂક શરણું જ મરતાં સુધી ગ્રહણ કરું છું; બીજા કોઇમાં મારે મન રાખવું નથી, એવી પ્રતિજ્ઞાપૂર્વક વર્તવું ઘટે છેજી.
આટલું, બળ કરીને કરશો તો આ ભવ સફળ થશે અને ભવિષ્યમાં સુખી થશો. ‘પારકી આશ સદા નિરાશ.' એ વિચારી કેડ બાંધીને, પરમકૃપાળુદેવની ભક્તિમાં મંડી પડો, ગાંડા થઇ જાઓ. કંઇ ડહાપણ કરવું નથી. હું કાંઇ જાણું નહીં. જે તેનાં કર્મ હશે તેમ તે પ્રવર્તશે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એમ ગણી, મોક્ષની સડક પરમકૃપાળુદેવની ભક્તિ ગણી, તેમાં જ તલ્લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૮, આંક ૮૮૮)
જીવને કલ્યાણનો સર્વોત્તમ ઉપાય તો સત્પુરુષના ચરણસમીપનો વાસ છે, પણ તેવી જોગવાઇ ન હોય ત્યારે તેની ભાવના રાખવી અને તે વિયોગનો વિરહ ન ખમાય તેવી ભક્તિ રહ્યા કરે તોપણ કલ્યાણનું કારણ બને છે.
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે અમને તો વિરહમાં રાખીને પરમકૃપાળુદેવે અમારું કલ્યાણ કર્યું છેજી; પણ તેમની તેવી યોગ્યતા હતી, ભક્તબીજ પ્રગટયું હતું; પણ તે દશા આવ્યા પ્રથમ તો સત્સંગનો વિયોગ તે કલ્યાણના વિયોગ સમાન છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯)
D સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આ કલ્યાણનો રાજમાર્ગ છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬)
I જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી અને વીતરાગતા આત્મામાં પરિણામ પામે તેવા સમક્તિના શમ, સંવેગાદિ ગુણો આત્મામાં પ્રાપ્ત થાય તેવો સત્સમાગમ કે સત્શાસ્ત્રનો લક્ષ રાખી, આ ભયંકર સંસાર તરફથી પૂંઠ ફેરવી, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર જે આત્મસ્વરૂપમય છે એવો અખંડ રત્નત્રયમય આત્મા, પરમ શાંત રસમાં બિરાજમાન તે આત્મા તરફ દૃષ્ટિ કરવી એટલે બોધબીજની વૃદ્ધિ કરવી અથવા બોધબીજની પ્રાપ્તિ થાય એવો આત્મવિચાર કરી આત્માને મોહરહિત ક૨વો, એ જ ઉત્તમ કલ્યાણનો માર્ગ છે.