________________
૨૧૭
ઉપાધિના પ્રસંગમાં પણ સદ્ગુરુની આજ્ઞાએ કલ્યાણ છે તે વાત, જે ભૂલતો નથી, તે મુમુક્ષુ નિવૃત્તિના વખતનો સદુપયોગ કરી શકે છે. માટે આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા, વૃત્તિ વર્ધમાન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦)
D પૂ. ....નો શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં-બોલતાં દેહ છૂટી ગયો, તે જાણી પરમકૃપાળુદેવના યોગબળની દૃઢતા વિશેષ થાય છેજી.
‘‘ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.'' ‘‘સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.''
એ રોજ બોલીએ છીએ પણ જેણે મરણની વેદનામાં પણ સત્પુરુષનો આશ્રય છોડયો નહિ, તેને શરણે સદાય રહ્યો, તેનું અવશ્ય કલ્યાણ થાય છેજી. (બો-૩, પૃ.૧૫૧, આંક ૧૫૨)
D ભાઇ ....ને છેવટ સુધી સારી ભાવના રહી તથા તમે બધા તેમની સેવામાં ધર્મબુદ્ધિથી રહ્યા, તે જાણી સંતોષ થયો છે. આવા મરણના પ્રસંગો નજરે બનતા જોઇને પણ જો જીવ નહીં ચેતે, આત્મકલ્યાણ કરવા નહીં પ્રેરાય, તો માત્ર શબ્દરૂપ ઉપદેશ તેને કેટલી અસર કરશે ?
જે જે જીવોએ આત્મકલ્યાણ કર્યું છે, તે તે જીવોએ સદ્ગુરુશરણે દૃઢ શ્રદ્ધા કરી છે; તેથી તેમને ગમે તેટલાં દુ:ખ આવી પડયાં છતાં તે દુઃખરૂપ મનાયાં નથી. માત્ર બાંધેલાં કર્મ છૂટવાના પ્રસંગ ગણી હર્ષસહિત તેમણે વેદ્યા છે. જેટલી શ્રદ્ધાની ખામી તેટલો જ જીવ દુ:ખી છે, માટે જેમ બને તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે અચળ પ્રેમ થાય તેવી રીતે ભક્તિભાવમાં, સત્સાધનમાં, સ્મરણમંત્રમાં ચિત્ત રાખવા આપ સર્વ ભાઇબહેનોને નમ્ર વિનંતી છેજી.
‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’ (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારંવાર વિચારી શોકનું વિસ્મરણ કરવા ભલામણ છેજી. આર્ત્તધ્યાન તજી ધર્મધ્યાન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૫)
— જેને કલ્યાણ કરવું છે તેણે તો સત્પુરુષને આશરે, શક્તિ છુપાવ્યા વિના, આ ભવમાં જેટલું બને તેટલું કરી લેવું ઘટે છે. આવો યોગ ફરી મળવો દુર્લભ છે, માટે ‘આજનો લહાવો લીજીએ, કાલ કોણે
દીઠી છે ?’’
દેશની અને દુનિયાની ફિકર-ચિંતા કરી, આ અવસર લૂંટાઇ જવા દેવો યોગ્ય નથી. ‘‘એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી.’' એ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા, તેમ જ કરી લેવું ઘટે છે.
જેણે સત્પુરુષના માર્ગ પ્રત્યે રુચિ કરી હશે, તેનું પણ કલ્યાણ થઇ જાય તેવો માર્ગ છે, તો જેણે તેની આજ્ઞા ઉઠાવી હોય તેનું તો કહેવું જ શું ? (બો-૩, પૃ.૩૩૬, આંક ૩૩૮)
46
D પરમકૃપાળુદેવે લખ્યું છે કે ‘ઇશ્વરેચ્છાથી' જે કોઇ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, પણ તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.’’ (૩૯૮)