________________
૨૨૪
રાખવાનું લખ્યું છે, એમ તેમને જણાવશો; અને આપણે બધાને પણ, તે જ કર્યે છૂટકો છે, તે ભૂલશો નહીં. (બો-૩, પૃ.૨૦૯, આંક ૨૦૬)
D આત્મઆરાધના એ મોટું કામ છે. તે જેણે કરવું હોય, તેણે તુચ્છ વસ્તુઓને (પરભાવ અને પરવૃત્તિઓને) છોડી, પોતાના તરફ વૃત્તિ વાળવાની જરૂર છે. આ જીવ આટલા કાળ સુધી પારકી પંચાતમાં પડી, પોતાનું હિત કરવાનું ચૂકી ગયો છે. તેને લઇને આ ભવ ધારણ કરવો પડયો છે, તો હવે તે ભાવ મંદ કરી, પોતાના તરફ વિશેષ લક્ષ નહીં રાખે તો તેની શી વલે થશે ?
‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.'' આમ પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે. તે હવે તો હ્રદયમાં અત્યંત-અત્યંતપણે દૃઢ થાય, એ જ મારું કર્તવ્ય છે. કાળ ગટકાં ખાઇ રહ્યો છે, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં આ જીવને પારકી પંચાતમાં પડવાનો વખત જ ક્યાં છે ? જો આ જીવ આટલી યોગ્યતા પામ્યા છતાં નહીં ચેતે તો મરણ વખતે તો બધું લૂંટાઇ જવાનું છે, તે વખતે નિષ્ફળ પશ્ચાત્તાપ કરશે.
ક્યાંય દૃષ્ટિ દેવા જેવું નથી. બધે બળતરા, ત્રાસ અને ભય ભય દૃષ્ટિગોચર થાય તેવો કાળ આવી પહોંચ્યો છે; તે વખતે વિચારવાન જીવે શું કરવું ? કોનો સંગ કરવો ? કેવી રીતે આ પ્રબળ લૂંટથી બચવું ? તેનો વારંવાર વિચાર કરી ‘‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.'’ (૪૬૦) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. તે ઉત્તમ દવા શાંતિનું કારણ છેજી. (બો-૩, પૃ.૪૨૫, આંક ૪૩૫)
D આત્માનું હિત કરવાનો અનુપમ યોગ, સામગ્રી પૂર્વપુણ્યથી આ ભવમાં મળી આવ્યા છતાં, જીવ જો મામૂલી બાબતો માટે તે ખોઇ નાખશે તો આખરે પસ્તાવું પડશે. માટે બાઇ-ભાઇ જે જે સમજી શકે તેવા હોય, તેમણે સત્પુરુષે આપેલાં મંત્રસ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત વિશેષ-વિશેષ પરોવતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છે.
બધા મુમુક્ષુજનો ભક્તિ કરતા હોય તે વખતે, બને તો સત્સંગ, વાંચન, ભક્તિનો લાભ લેવો. તે ઉપરાંત પણ જેટલો વખત મળે, તે ધન આદિ કરતાં અનંતગણો કીમતી અમૂલ્ય ગણી, સત્સાધનમાં જોડવો. પ્રમાદ, ઊંઘ, વિલાસ, દેશકથા કે શિથિલતામાં, કાળ વહ્યો ન જાય, તેની વિશેષ કાળજી રાખવા, ચેતતા રહેવા ભલામણ છેજી.
આયુષ્યનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે; ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાનો વખત, સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય ? ગમે તે રીતે પણ યોગ્યતા વધે તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે; તો જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેજી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૬)
આપે જનહિત થવા અર્થે ફિલ્મ અને બ્રોડકાસ્ટ વિષે લખ્યું. તે તેવો કાળ આવ્યે બની રહેશે, પણ અત્યારે આપણે આપણા હિત અર્થે શું કરવું એ પ્રથમ વિચારણા હૃદયમાં રાખી, આપણું ચિત્ત પરમકૃપાળુદેવની આજ્ઞા-સત્સાધન સમજવામાં અને સમજાય તે પ્રમાણે વર્તવામાં રોકાય, તેમ પુરુષાર્થ કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪)