________________
(૨૩)
સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઇ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.' (૩૯૫). આ વચનો વાંચ્યાં હોય તો પણ વારંવાર વાંચી, તે ભાવો પ્રગટ થતાં સુધી, મનન-નિદિધ્યાસનના ક્રમની ખામી પૂરી કરવા, જે પુરુષાર્થની જરૂર છે, તેની ભાવના નિરંતર રહ્યા કરે, તેમ વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૬૧, આંક ૩૬૨) જેમ બહાર જીવનવ્યવહારમાં મુશ્કેલીથી જીવ મૂંઝાય છે, તેવી મૂંઝવણ જીવને પોતાના હિતને અર્થે. જન્મમરણ ટાળવાને અર્થે જ્યારે જાગશે, ત્યારે જીવ જાગ્યો કહેવાશે. હજી તો દેહાદિ સંયોગોમાં તલ્લીન થઈને પોતાને ભૂલી રહ્યો છે. તે ભાન પ્રગટવા અર્થે “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.' વગેરે જ્ઞાની પુરુષોનાં અમૂલ્ય વચનો જીવને જાગૃતિ આપે તેવાં, રોજ તેની આજ્ઞાએ અત્યંત પ્રેમ ઉપાસવા યોગ્ય છેજ. પ્રમાદ અને બેકાળજી, તે કામ કરવા દેતા નથી કે વિપ્ન કર્યા કરે છે; તેને દૂર કરી, જાગૃતિની ભાવના નિરંતર કરતા રહેવાની જરૂર છેજી. પરમકૃપાળુદેવ જણાવે છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, એ સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના જીવને આત્મગુણ કેમ પ્રગટે ? એ ભાવ વારંવાર વિચારી, મમતાભાવ ઘટાડવો ઘટે છેજી; તથા કષાય મંદ કરી, ભક્તિમાં મનને તલ્લીન કરતા રહેવાની જરૂર છેજી. આત્મહિત કરવું હોય તેણે તો, જે જે કામ કર્યા વિના છૂટકો નથી, તે તે પતાવી દઈ, બાકીનો બચતો વખત જ્ઞાની પુરુષોનાં વચનો વાંચવા, વિચારવા, ગોખવા કે ફેરવવામાં વૃત્તિ જોડી રાખે તો મનનું કર્મ બાંધવાનું કામ મંદ પડે અને આત્માને શાંતિનું કારણ બને. રાતદિવસ જીવ કર્મ બાંધ્યાં કરે છે; તેનાં ફળ પોતાને જ ભોગવવા પડશે એમ વિચારી, આ આત્માની દયા ખાવી ઘટે છેજી. (બી-૩, પૃ.૫૮૬, આંક ૬૪). “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા-૩૫) એવું પરમકૃપાળુદેવ કહે છે, તે Æયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (૧૭૨) વગેરે આત્મહિતને ઈચ્છનારે સહજ કરી મૂકવાની શિખામણ જ્ઞાની પુરુષો આપે છે, અને આ જીવ બહેરો બેભાન હોય, તેમ તે પ્રત્યે બેદરકાર રહે તો પરિણામ કેવું આવે ? માટે સત્સંગના વિયોગમાં સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરવાની કાળજી, દિન-પ્રતિદિન વધતી જાય તેમ કર્તવ્ય છેજી. જેમ ચાલતા ઊંટ ઉપર બેઠેલા માણસને સ્થિર રહેવું મુશ્કેલ છે, તેમ સંસારનાં કાર્યો કરતાં છતાં સ્થિરતા સાધવી અત્યંત મુશ્કેલ છે. મુશ્કેલી છે, પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે અને એ જ શિખામણ આપી છે કે “બાહ્યભાવે જગતમાં (ઉપાધિમાં) વર્ગો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહો.” (૭૨) આ લક્ષ પ્રસંગે-પ્રસંગે જીવ સંભારે તો ઉદાસીનતા જન્મે. લક્ષ ન લે, તે ડાહ્યો શાનો? પરમકૃપાળુદેવે જે કહ્યું હોય તે જરૂર કરવું છે, એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે અને યથાશક્તિ તે લક્ષ પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજ.