________________
પરે
ઊખડી જાય તો આત્મા પ્રગટ થાય અને જીવને લાગે કે આત્મા જ પહેલો છે. પ્રભુશ્રીજી પહેલાં આત્મા જોતાં. ગમે તે વસ્તુ જુએ તો કહે કે આય મારો સાક્ષાત્ આત્મા છે, જોનાર પોતે સાક્ષાત્ આત્મા છે. દર્શનમોહનો પહેલો ક્ષય કરવાનો છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૭)
પ્રશ્ન : અગિયારમે ગુણસ્થાનકે આવેલો જીવ પ્રમાદવશ પડી, પહેલે ગુણસ્થાનકે આવી અનંતકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલો જીવ વધારેમાં વધારે પંદર ભવ કરે, તે કેમ ઘટે છે ?
ઉત્તર : એક વાર સમકિત પામીને જે સમકિત વમી ન નાખે, સતિથી પડી ન જાય, પણ મંદ પુરુષાર્થથી રાગ-દ્વેષ ટાળવાનું કામ કરે તો વધારેમાં વધારે પંદર ભવ સુધીમાં તો સર્વ કર્મનો તે ક્ષય કરી શકે એવું સમ્યક્ત્વનું બળ બતાવ્યું છે; કારણ કે ઘણાં કર્મો હલકાં થયે, અર્ધપુદ્ગલપરાવર્તનથી કંઇક ઓછો જેને સંસારકાળ છે, તેને જ સમ્યક્ત્વ થાય છે.
એ અર્ધપુદ્ગલપરાવર્તનકાળ પણ ઘણો લાંબો છે, તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ (છ આરા કે કલ્પકાળ) થઇ જાય તેવો છે એટલે આપણા હિસાબે અનંતકાળ છે. તેથી અનંતકાળ પરિભ્રમણ કરે એમ કહ્યું છે.
પરંતુ, કેવળી ભગવાને તેનો અંત દીઠો છે એટલે તેનું ચોક્કસ માપ અર્ધપુદ્ગલપરાવર્તનથી કંઇક ન્યૂન કહ્યું છે; એટલે એવો નિયમ ભગવંતે દર્શાવ્યો છે કે જેને એક વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ, તેને અવશ્ય મોક્ષ થવાનો. વધારેમાં વધારે કાળ, સમ્યક્ત્વ અનેક વાર વમી નાખે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તન પૂર્ણ થતાં પહેલાં તે મોક્ષે જાય જ, એવું કેવળજ્ઞાનમાં ભગવંતે દીઠેલું, પ્રરૂપ્યું છે. (બો-૩, પૃ.૫૨૮, આંક ૫૭૭)
U પ્રશ્ન : શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડયા ? પંદર ભવથી વધારે કેમ થયા ?
ઉત્તર ઃ સમ્યક્દર્શન જો વમી ન જાય તો વધારેમાં વધારે પંદર ભવ થાય; પણ જો વમી જાય એટલે મિથ્યાત્વમાં જીવ આવી જાય તો ક્યારે ફરી સમ્યક્દર્શનનો જોગ બને, તે કહેવું મુશ્કેલ છે. તેને માટે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કહ્યો છે. તેમાં અનેક ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ જતો રહે છે, એટલે અનંતકાળ પણ એક રીતે, તે કહેવાય છે. માટે શ્રદ્ધા-ભ્રષ્ટ ન થવાય, તેની બહુ કાળજી રાખવા જ્ઞાનીપુરુષોએ ચેતાવ્યા છેજી.
આશ્ચર્યની વાત તો એ છે કે એટલા લાંબા કાળે પણ અવશ્ય સમકિત પામી, જીવ બે ઘડીમાં મોક્ષે પણ જઇ શકે છે. આવું આત્માનું માહાત્મ્ય જ્ઞાનીપુરુષે વર્ણવ્યું છે.
એક વાર જો સાચા પુરુષની, સાચા અંતઃકરણે માન્યતા દૃઢ થઇ ગઇ, તેને વહેલેમોડે મોક્ષ જરૂર થાય છે, એવી સમ્યક્દર્શનની મહત્તા છે; તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવનાં વચનોને આધારે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞાનું આરાધન, શક્તિ ગોપવ્યા વિના કર્યા કરવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૧૮, આંક ૮૭૧)
સમ્યક્દર્શનનું માહાત્મ્ય લાગ્યું હોય, સમ્યગ્દર્શન થયું હોય, પછી શ્રદ્ધા છૂટી જાય તોપણ જીવને વહેલેમોડે મોક્ષે લઇ જાય છે. ગાયના શિંગડા ઉપર રાઇનો દાણો રહે એટલી વાર જો સમ્યક્દર્શનની