________________
( ૨૨)
મુમુક્ષજીવે પરસ્પર કેમ વર્તવું, એકબીજાની ધર્મભાવના કેમ વધે તેનો વિચાર કરી, ધર્મલાભ તરફ વૃત્તિ દ્રઢ કરવી ઘટે છે. ધન તો પૂર્વપુણ્યને આધીન છે, પરંતુ ધર્મ તો જીવને છૂટવાની ગરજ જાગી હોય
અને તે પ્રત્યે પ્રબળ ખેંચ હોય તો જ ટકાવી શકાય છે. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧). D કરાળ કાળમાં કાલની કોને ખબર છે ? થોડા વખત પછી ધામણ તરફના એક ગામમાં ચિત્રપટની
પ્રતિષ્ઠા કરવાની હતી, તે ભાઇનો દેહ છૂટી ગયાના સમાચાર આવ્યા છે, માટે ધર્મના કાર્યમાં ઢીલ કર્તવ્ય નથીજી, “કાલ કરવા ધારતો હોય તે આજ કર, આજે કરવું હોય તે હમણાં કર.” એમ કહેવાય છે, તે ખરું છે. ધન કરતાં ધર્મની વિશેષ અગત્યતા લાગે અને નાશવંત વસ્તુઓ કરતાં શાશ્વત વસ્તુ અર્થે વિશેષ આયુષ્યનો વખત ગળાય તેવો નિર્ણય અને તદનુસાર પુરુષાર્થ જ્ઞાનીને વિશ્વાસે, તેને શરણે કર્તવ્ય છેજી. જેને આવા કાળમાં પણ ધર્મજિજ્ઞાસા જાગશે, તે તો ગમે ત્યાંથી, દૂરથી પણ આવી, તેની આજ્ઞાના આરાધનમાં જોડાઈ જશે અને કલ્યાણનો ભાગી બનશેજી. માટે આપણે આપણી જિંદગીને જો કીમતી અને પરમપુરુષની આજ્ઞા પ્રાપ્ત થવાથી મહામૂલ્યવાન માનતા હોઈએ તો તે વ્યર્થ નિરર્થક કાર્યોમાં વહી ન જાય તેમ કોઈ ઉત્તમ ક્રમમાં નિયમિતપણે ગાળવી ઘટે છેજી. ધન, સ્ત્રી, પુત્રાદિ પોતાનાં નથી છતાં પોતાનાં જ્યાં સુધી મનાય છે, ત્યાં સુધી તે ક્રમ કેમ આરાધાય? પરમકૃપાળુદેવની કહેલી વાત માન્યા વિના, &યમાં જાગ્રત રાખ્યા વિના કોઈ કાળે મોક્ષની પ્રાપ્તિ થવી સંભવતી નથીજી, તો ઢીલ શા કામની? આ વાત વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૬). સાંભળ્યું કે શાળા બંધ હોવાથી તમારે ઘેર જ રહેવાનું થાય છે; તો, જો ખેતીનું ખાસ કામ ન હોય તો, સત્સંગ અર્થે જ આ વખત મળ્યો છે એમ ગણી, એકાદ-બે માસ (અગાસ) આવીને રહેવાનું બને, તેમ ગોઠવણ કરી લેવા ભલામણ છેજી. બીજા વેકેશન ઉપર મુલતવી રાખવા યોગ્ય નથી કારણ કે કાળનો ભરોસો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આખું જગત અશાંતિમાં બળ્યા કરે છે, તેમાંથી બચવા તથા ચિત્ત કોઈ બીજા હિતકારી માર્ગને પ્રિય ગમે તેવું ટેવાવા માટે કેટલાક અવકાશની જરૂર હતી અને છે; તે અવસર પ્રારબ્ધયોગે હાલ પ્રાપ્ત થયો છે તો નકામો વહ્યો ન જાય. શરમમાં કેમ કાકાને કહેવાય, વગેરે મનમાં આપ્યા વિના સ્પષ્ટ વિચાર દર્શાવવો કે થોડો વખત મારે અગાસ રહેવા વિચાર છે. મનમાં, અહીં નહીં ગમે, એ ડર પણ રાખવાની જરૂર નથી. એકાદ દિવસ વખતે એમ લાગે, પણ જો અમુક મુદત માટે રહેવાનો વિચાર હશે તો કેમ દિવસ ગાળવો તેનો કાર્યક્રમ ગોઠવવામાં બનતી મદદ મારાથી થશે, તે કરવા વિચાર છે. પછી જેમ ભાવિમાં હશે તેમ થશે. અહીં આવી જવાથી હિંમત, વિચાર અને ધીરજમાં વૃદ્ધિ થશે, મન શાંત થશે, વ્યાકુળતા ઓછી થવાથી મનની નિર્મળતા વધશે અને જે કરવા યોગ્ય ભાસશે તે નિશ્ચિતતાથી થશે, પણ મુલતવી રાખવાની ટેવવાળાને તેની શાણી સ્ત્રીએ શિખામણ આપી સુધાર્યો હતો, એવી એક કથા થોડા વખત ઉપર વાંચી હતી, તેનો સાર લખું છુંજી :