________________
૨૩૬
હિત સમજી,
દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લોભ, સ્વાર્થ અને સુખશીળિયો સ્વભાવ તજવો ઘટે છેજી. બને તેટલું ઘસાઇ છૂટવું. જાતમહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. ‘પારકી આશ સદા નિરાશ.' (બો-૩, પૃ.૨૨૪, આંક ૨૨૧)
સમ્યક્દર્શન
D અઢાર દૂષણ રહિત દેવ, હિંસા રહિત ધર્મ અને નિગ્રંથ ગુરુ - એ ત્રણ તત્ત્વોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન છે. જેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો હોય, તેની શ્રદ્ધા થાય તો મોક્ષ થાય. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૭)
અરિહંતનું જેવું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ છે, ભેદ નથી. એ સમકિત છે. રાગ-દ્વેષ, મોહ દેખાય છે, તે મારું સ્વરૂપ નથી. વીતરાગ ભગવાનનું સ્વરૂપ છે, તેવું મારું મૂળ સ્વરૂપ છે. જેવા વીતરાગ સુખી છે, તેવો જ હું સુખી છું, એમ અભેદ થઇ જાય. અરિહંતના શુદ્ધસ્વરૂપમાં મોહ નથી. શુદ્ધસ્વરૂપમાં અભેદભાવ કરવો, એ મોહ ક્ષય થવાનો ઉપાય છે. (બો-૧, પૃ.૩૪૪, આંક ૨૨)
પ્રશ્ન : સમ્યક્દર્શન એટલે શું ?
ઉત્તર : જેનું કલ્યાણ થવાનું નજીકમાં હોય, તેવા જીવોને આવો પ્રશ્ન જાગે છે. સમ્યક્દર્શન બે પ્રકારે છે : વ્યવહારથી અને નિશ્ર્ચયથી. વ્યવહાર-સમ્યક્દર્શન એ નિશ્ચય-સમ્યક્દર્શનનું કારણ છે.
વ્યવહાર સમ્યક્દર્શન : સંદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુની, સાચા ભાવે શ્રદ્ધા થવી, તે છે. મોક્ષમાળાના ચાર પાઠ ૮-૯-૧૦-૧૧ છે, તેમાં ત્રણે તત્ત્વની સમજૂતી છે, તે વાંચી લેવા ભલામણ છેજી.
તેમાં પણ જો કુગુરુને સદ્ગુરૂ માને તો તે બતાવે તે દેવ પણ કુદેવ હોય અને ધર્મ બતાવે તે કુધર્મ હોય; એટલે તે મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોય છે. માટે પ્રથમ શું કરવું ?
તે વિષે પરમકૃપાળુદેવ લખે છે : “બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઇ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.'' (૭૬) માટે સદ્ગુરુ દ્વારા સદૈવ એટલે સંપૂર્ણતા પામેલી વ્યક્તિ તથા સદ્ધર્મ એટલે તે પૂર્ણ પુરુષોનો કહેલો મોક્ષમાર્ગ સમજવો ઘટે છે.
આ ત્રણ કારણોની (સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુની) ઉપાસનાથી પોતાના આત્માની યથાર્થ શ્રદ્ધા કરવી, તે નિશ્ચય-સમ્યગ્દર્શન છે. તે થવા માટે નીચેની કર્મપ્રકૃતિઓનો અભાવ થવો ઘટે છે :
(૧) મિથ્યાત્વ એટલે દેહને આત્મા મનાવનારું કર્મ; નાશવંત ચીજોને હંમેશાં રહેનારી મનાવનાર તથા મળ-મૂત્રથી ભરેલા ગંદા દેહાદિ પદાર્થોને સુંદર મનાવનાર કર્મ; પોતાનું નહીં તેને પોતાનું મનાવનાર કુબુદ્ધિ. (૨) જે ધર્મ જીવને કલ્યાણકારી હોય તે સુધર્મ, સુદેવ કે સુગુરુ પ્રત્યે ક્રોધ કરાવે તેવું કર્મ. (૩) માન કરાવે તેવું કર્મ. (૪) માયા કરાવે તેવું કર્મ. (૫) સાંસારિક લાભની તેવો ધર્મ કરીને આશા રખાવે તેવું કર્મ.
એ વિઘ્નો દૂર થયે, આત્મા આત્મારૂપે મનાય છે; તેને સમ્યક્દર્શન નામનો આત્માનો એક ગુણ કહ્યો છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉ૫૨ લખેલું સમજાશેજી. (બો-૩, પૃ.૬૪૭, આંક ૭૬૭)