________________
૨૪૯
આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલી બીના શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા, આપ સર્વને નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૫૪, આંક ૭૭૪)
ધર્મ વસ્તુ પ્રાણ જતાં પણ ન છોડવી. જ્ઞાનીની આજ્ઞા મળી તો એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તો ઘણી વખત મળ્યો અને મળશે, પણ ધર્મ ન મળે; એવી દૃઢતા આવે, ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ.૨૪૮, આંક ૧૪૦)
D ભગવાને કહેલા ભાવમાં પ્રવર્તાય તેટલો આનંદ માનવા યોગ્ય છે. પારકી પંચાત ઓછી કરી, સત્પુરુષનાં વચન સત્પુરુષતુલ્ય સમજી તેનું વાંચન, વિચાર, ભાવના, વિનય, ભક્તિ આદિ કરતાં જીવને સમ્યક્દર્શન થવાનું કારણ બને છેજી.
જેમ નામું રોજ લખવું પડે છે, તેમ જતા દિવસનો ભાવસંબંધી હિસાબ (અઢાર પાપસ્થાનક આદિની દિવસનાં કાર્યો સંબંધી તપાસ), જરા ખોટી થઇને, કરતા રહેવા ભલામણ છેજી. રોજ-રોજ દોષ જોવાની વૃત્તિ રહેશે, તો તે દોષો પ્રત્યે અભાવ થઇ, તેનો ત્યાગ કરવા જીવ ઉપાય લેશે. માટે આત્માને માટે ખોટી થવું પડે તો તેમાં કંટાળવું નહીં. નિર્દોષ થવા પ્રયત્ન ચાલુ રાખવો. (બો-૩, પૃ.૧૫૮, આંક ૧૫૯)
આપે પત્રમાં આત્મનિંદા જણાવી, તે વાંચી. તે સર્વ દોષો જેમ જણાવ્યા છે તેમ નજરે ચઢયા તો હવે તેને ઝાઝો વખત ટકવા દેવા જોઇતા નથી. દુકાનમાં ચોર પેઠો એમ જાણો તો પછી છાનામાના બેસી રહી, એને અંદરનો માલ ચોરી જવા દો ? ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે ઃ
“ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એકદૃષ્ટિ, ભાવ, આત્મભાવના એ પોતાનું ધન છે. વેદની આવે છે ત્યારે ધાડપાડુઓ, ચોર, લૂંટારાઓ, તે ધન લૂંટી લે છે. તો તેવે વખતે પોતાનું ધન લૂંટાઇ ન જાય, માટે શું કરવું ? વેદની-રોગ આવે છે, ત્યારે (શાતાનો) ભિખારી જીવ ભીખના ટુકડા જેવી શાતાને ઇચ્છે છે. સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં – એમ વેદની વિઘ્ન પાડે, ત્યારે શું કરવું ?
-
લૂંટારા તો છે. ધન છૂટું મૂકો તો-તો લૂંટારાને લઇ જતાં વાર લાગે નહીં, પણ કોઇ તિજોરીમાં મૂક્યું હોય તો લઇ જવાય નહીં. તેમ ઉપાય શું કરવો ?
તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ જીવને સમકિત આવ્યું હોય તો બધું આવ્યું. બધાનો ઉપાય એક સમકિત છે. સમકિત આવ્યું હોય તો કંઇ લૂંટાય નહીં. બેઠા-બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી, ત્યાં સુધી સમકિત, ધર્મ કરી લે.’’ (ઉપદેશામૃત પૃ.૩૮૦) (બો-૩, પૃ.૩૧૭, આંક ૩૦૮)
I સમ્યક્દર્શન સિવાય બધું ચિતરામણ જેવું, ઘડીમાં ભૂંસાઇ જાય તેવું છે. શાશ્વત મોક્ષમાર્ગ દે તેવું સમ્યક્દર્શન જ, આ ભવમાં હિતકારી છે. તે સિવાય બધું, પથ્થર પર પાણીના ચિત્ર જેવું ગણવું ઘટે છે. (બો-૩, પૃ.૭૩૭, આંક ૯૦૨)
જ્યાં સુધી સમકિત ન થયું હોય ત્યાં સુધીની ક્રિયા, જપતપાદિ બધાં સાધનો મોક્ષને માટે નથી હોતાં. સમકિત સિવાયનું બધું જ્ઞાન, તે કુજ્ઞાન છે; ચારિત્ર, તે કુચારિત્ર છે અને તપ, તે કુતપ છે. (બો-૧, પૃ.૪૮, આંક ૨૩)