________________
૨૩૭
D પોતાના સ્વરૂપનું જ્ઞાન, તે સમ્યજ્ઞાન છે. જ્ઞાનથી આત્મા જણાય છે. મારું ખરું સ્વરૂપ આત્મા છે, એવી પ્રતીતિ તે સમ્યક્દર્શન છે. જ્ઞાન અને વૈરાગ્ય, બંને સાથે હોય છે. તે ન હોય ત્યાં સુધી જીવને
શ્રદ્ધા પણ ન થાય.
સમ્યક્ત્વ એ આત્માનો નિર્ણય છે. એ નિર્ણય સત્પુરુષના આશ્રયે થાય, તે વ્યવહાર-સમકિત છે. પછી પોતાને અનુભવ થાય, તે નિશ્ર્ચય-સમકિત છે.
મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે. જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે, તથાપ્રકારે અનંતાનુબંધી કષાય મોળા પડવા લાગે છે. તે તદ્દન દૂર થાય ત્યારે સમ્યક્દર્શન થાય છે.
જ્ઞાનીપુરુષના આશ્રર્ય, જ્ઞાનીએ જે માન્યું છે તેવું માને તો સમ્યક્દર્શન છે.
વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય ત્યારે સમ્યક્ત્વ થાય છે. સમીપમુક્તિગામીને જ સમ્યક્દર્શન થાય છે. (બો-૧, પૃ.૧૦૯, આંક ૨૪)
જીવને સંસારમાં રુચિ થાય છે. સંસારનાં કારણોમાં રુચિ છે, તે પલટાઇને મોક્ષનાં કારણોમાં રુચિ થાય, તે સમ્યગ્દર્શન છે. મારે શું કરવાનું છે, એ લક્ષ રાખવો. ‘‘આ લોકની અલ્પ પણ સુખેચ્છા'' (૨૫૪) એ ખામી છે, તે મટાડવી. (બો-૧, પૃ.૨૧૪, આંક ૧૦૨)
— ભગવાને છ દ્રવ્ય કહ્યાં છે, તેની આપણે ઓળખાણ કરવી છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે, તેવું માનવું; તે સમ્યક્દર્શન છે.
અવળું માનવું અને મને સમજાયું છે તે સાચું છે, એવો આગ્રહ, તે મિથ્યાદર્શન છે. સંસારનાં કા૨ણો મીઠાં લાગે, મોક્ષનાં કારણો અપ્રિય લાગે, એવી અવળી માન્યતા, તે મિથ્યાત્વ છે. મોહને લઇને દુઃખ થાય છે. દુઃખ દૂર કરવાનો ઉપાય સમ્યક્દર્શન છે.
જે પ્રયોજનભૂત નથી, તેને ન જાણે કે મિથ્યા જાણે તો હાનિ નથી; પરંતુ પ્રયોજનભૂતને યથાર્થ જાણે તો સમ્યક્દર્શન થાય. સમ્યક્દર્શન થાય તો સુખી થાય છે. (મોક્ષમાર્ગપ્રકાશક, ચોથું અધ્યયન)
દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગ ભણે તોપણ તેને સમ્યક્દર્શન ન હોય, દેહાધ્યાસ ન છૂટે; અને તિર્યંચને પણ ‘દેહથી હું ભિન્ન છું.’ એમ શ્રદ્ધા થાય તો સમ્યક્દર્શન થાય છે. જ્ઞાનના ક્ષયોપશમ માત્રથી નહીં, પરંતુ દર્શનમોહ જવાથી સાચી શ્રદ્ધા થાય છે, ત્યારે સમ્યક્દર્શન થાય છે. (બો-૧, પૃ.૧૩૭, આંક ૧૨)
D પ્રયોજનભૂત તત્ત્વો એટલે મોક્ષે જવા માટે જે તત્ત્વો જાણવાં જરૂરનાં છે તે. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યક્દર્શન છે. તે સુખનું કારણ છે. મિથ્યાત્વ દુઃખનું કારણ છે. મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ થાય.
પ્રયોજનભૂત સાત તત્ત્વ જાણે તો ત્યાગવા યોગ્ય ત્યાગે અને ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. સાત તત્ત્વની પ્રતીતિ, શ્રદ્ધા તે સમ્યક્દર્શન છે. શ્રદ્ધા થાય તો તે પ્રમાણે વર્તવા લાગે. દેહ તે હું, એ ઊંધી શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે; તેથી સંસાર થાય છે. દેહથી જુદો જીવ છે, એમ અજીવથી જીવને ભિન્ન જાણે, તેથી સમ્યક્દર્શન થાય અને તેથી મોક્ષ થાય છે.