________________
૯૭
આવાં વખાણ જે તિથિનાં પોતે કર્યાં છે, તે તિથિએ, સર્વ ભાઇબહેનો મોક્ષની ઇચ્છાથી, તકલીફ વેઠીને એકઠાં થયાં છો, તો તે દિવસે ઉલ્લાસભાવે આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિમાં આત્માને લીન કરવા ભલામણ છેજી.
સંસારી વાસનાઓ એક દિવસ દૂર કરી, આત્મા અનાદિકાળથી અનાત્મ (જડ) વસ્તુઓમાં રાચી રહ્યો છે, તેને સદ્ગુરુની આજ્ઞારૂપ ભક્તિરંગમાં રંગાય અને ભક્તિની ભૂખ ઊઘડે તેવી રીતે તેની તે વાતોમાં રાતદિવસ ગળાય તેમ વર્તશો તો ઉપર જણાવેલું ફળ, હજારો ઉપવાસ કરતાં ચઢી જાય તેવો લાભ લેવાનો જોગ આવ્યો છે, તે સફળ થશે.
દેવો જેમ સ્વર્ગનાં સુખ છોડીને, તીર્થંકરાદિ પાસે કે નંદીશ્વર દ્વીપ વગેરે પવિત્ર સ્થળોમાં ભક્તિ માટે એકઠા થઇ ઉત્સવ ઊજવે છે, તેવો યોગ આજે આવ્યો છે. તે પરમ પાવનકારી ગંગામાં ડૂબકી મારી, પવિત્ર થઇ જીવન પલટાવવા, સદાય તેની ખુમારી ટકાવવા, નવો જ જન્મ જાણે મળ્યો હોય તેમ નવજુવાન થઇ આત્માના કાર્યમાં મચ્યા રહેવા વિનંતી છેજી.
ઘેર-ઘેર સંપ, સત્સંગની જરૂર, મુમુક્ષુ ભાઇબહેનો પ્રત્યે ઉલ્લાસ, સેવા, વિનય, ભક્તિ, મૈત્રીભાવ ઊછળતાં રહે અને કોઇનો દોષ નજરે ન ચઢે પણ સંસારીભાવ, પહેલાંના અણબનાવ ભૂલી જવાય અને નવા રાજા અને નવી પ્રજા જેવું નવજીવન સઘળે ફેલાય, દોષો ઘટી ગુણો ખીલી નીકળે, તેમ વર્તવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૨૭૭, આંક ૨૭૦)
D_પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં, ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાંચન વગેરે બંધ કરી, ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે એવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તોપણ, થોડી વાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતું - અને પછી જ બારણું ખોલી બધાંને ખબર આપ્યા હતા. (બો-૩, પૃ.૪૫૬, આંક ૪૭૭)
અગાસ આશ્રમ વિષે
પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી મુમુક્ષુઓમાં ઘણા મતભેદ પડી ગયા એટલે પ્રભુશ્રીજીને મનમાં એમ થયું કે આવા મતભેદ અને આગ્રહોમાં રહ્યા કરતાં જંગલમાં જઇ દેહ પાડી દેવો સારો, એમ કરી જંગલમાં ચાલ્યા ગયા; પણ પાછળથી સર્વના પુણ્યના યોગે તેઓશ્રીનું અત્રે આવવું થયું અને તેથી આ આશ્રમ આપણા જોવામાં આવે છે. (બો-૧, પૃ.૨૧, આંક ૨૨)
:
D પરમકૃપાળુદેવે લખ્યું છે : ‘‘કદાપિ કોઇ રીતે તેમાંનું કંઇ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઇને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઇને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ?'' (૧૨૮) એ મૂંઝવણ પ્રભુશ્રીજીએ ટાળી. એવું સ્થાન બનાવ્યું. આત્મસાધન ક્યાં કરવું ? સંત ક્યાં હોય ? એ મૂંઝવણ ટાળી. સત્સંગ કરે, આત્મહિત કરે, એ માટે આ સ્થાન છે. સત્સંગ થાય એવી જગ્યા બહુ થોડી છે. તીર્થો તો ઘણાં છે. આ સ્થાન તપોવન જેવું છે. (બો-૧, પૃ.૧૬૬, આંક ૩૩)
પ્રભુશ્રીજી કહેતા કે આ દરવાજામાં પગ મૂકનાર માણસનું ઘણું પુણ્ય હોય છે, તો જ અંદર આવી શકે છે. જો તે અંદર આવી ગયો તો કંઇ ને કંઇ, તેને ખબર ન પડે, પણ લઇ જશે.
(બો-૧, પૃ.૩૩૯, આંક ૭)