________________
(૧૮) 0 મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. (૭૧૦) મન, વચન અને કાયા - એ ત્રણે યોગ મંદ થતાં-થતાં, ક્રમે-ક્રમે આત્મામાં સ્થિર થવાય, તે ચારિત્ર છે.
જ્યારે સંપૂર્ણ સ્થિર થવાય ત્યારે મોક્ષ થાય છે. શ્રેણીમાં મનોયોગમાં ઉપયોગ હોય છે. કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનોનું જીવને અવલંબન છે. બાહ્મચારિત્રની વાત નથી. આત્મામાં સ્થિર થવું તે ચારિત્ર છે. બાહ્યચારિત્ર તો અનંતવાર જીવને આવ્યું છે. (બો-૧, પૃ.૨૩, આંક ૧૭૨)
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (૭૧૮-૧) એમાં પ્રથમ જણાવ્યું કે અનંતકાળથી જીવ અનંત દુઃખ વેઠતો આવ્યો છે; તેમાંના આ ભવની વાત જ જીવ વિચારે કે ગર્ભમાં કેટલા બધાં દુઃખ વેઠયાં, પણ પરવશતા અને બેભાનપણું હોવાથી તે ભૂલી પણ ગયો. બાળપણામાં પણ બોલતાં-ચાલતાં, ખાતાં-પીતાં આવડતું નહોતું, માખી પણ ઉડાડી શકે નહીં તેવી પરાધીનદશામાં જીવે ઘણું સહન કર્યું છે. પછી કંઈ સમજ આવી તોપણ અવિચારદશામાં કુટાતા-પિટાતાં કંઈક ભણીને, કામ શીખીને અહંકાર પોષ્યો. મારું-તારું, વિષય-કષાય અને અજ્ઞાનદશાના ભય, શોક, કલ્પનાના તરંગોમાં તણાતાં પૂર્વપુણ્યના ઉદયે સદગુરુનો યોગ, તેની આજ્ઞા, સમાગમ, સેવાનો યોગ બનતાં, જીવની ભાવના કંઈક પલટાઈ, ત્યારે આ ભવની સંકુચિત દ્રષ્ટિ છૂટી ભવોભવનાં દુઃખ અને ભવિષ્યમાં મોક્ષ નહીં થાય ત્યાં સુધીના પરિભ્રમણનો વિચાર જાગ્યો અને સદ્ગુરુની આજ્ઞા સિવાય બીજો કોઈ તરવાનો ઉપાય નથી એમ લાગ્યું, ત્યારે તે આરાધવા ભણી જીવને ગરજ જાગી; પણ પૂર્વે અભ્યાસી મૂકેલી સંજ્ઞાઓ, હજી જીવને હેરાન કરે છે. તેના તરફ કટાક્ષદ્રષ્ટિ રાખી, તેને દુશ્મન જાણી, આ શરીરને પણ ઝેર, ઝેર, ઝેર જેવું ગણી તેવાં બીજાં કેદખાનામાં ન પડવું પડે, તે અર્થે ‘આત્મભાવના કર્તવ્ય છેજી. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આ અભ્યાસ વારંવાર કરવા પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં રહ્યા કરે તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૫૮૩, આંક ૬૬૦).
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોષ્ઠ. (૭૧૮-૨) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર લખવું કેમ પડયું? તે, આ ગાળામાં જણાવ્યું છે. આ દુષમ કળિકાળનું સ્વરૂપ જ્ઞાની જ સમજે છે, તેમને પણ પરાણે તરવા દે, તેવો આ કાળ છે. તેમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે, અજ્ઞાની જીવોએ આવરી નાખ્યો છે, લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. કલ્યાણ કરવાની ઇચ્છાવાળા સંસ્કારી જીવોને પણ અનેક વિઘ્નો નાખી, માયામાં તાણી જવા માટે, સર્વ સામગ્રી આ કળિકાળે એકઠી કરી રાખી છે. તેમાં નથી મૂંઝાયા, એવા તો કોઈક સપુરુષ કે તેના આશ્રિતો જ છે.