________________
૧૭૨
મારે-તમારે અતિ-અતિ જાગૃતિપૂર્વક આ અમૂલ્ય અવસરનો સદુપયોગ થાય તેમ કરવાની, અતિ-અતિ આવશ્યકતા છેજી.
પરમપુરુષની આજ્ઞાનું અલ્પ પણ ઉઠાવવું બનશે તો જરૂર તે આ જીવને અંત વખતે અને પરભવમાં, બહુ કામ આવશેજી. (બો-૩, પૃ.૩૭૨, આંક ૩૭૭)
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. (૭૩૮-૧૦)
મુનિપણું, સમ્યક્ત્વસહિત પ્રાપ્ત થયા પછી ઘણા પરિષહો વેઠી, સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકે છે, તેવા મહાત્મા ઉપરની ભાવના કરે છે કે શત્રુ દુઃખ આપવા તૈયાર થાય અને મિત્ર અનુકૂળતાઓની સામગ્રી આપે, પણ બંને કર્મને આધીન છે. જેને છૂટવું છે, તે કોઇ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ ન ઊઠે તેમ સમભાવે જ્ઞાતા-દૃષ્ટા રહી અસંગ-અલિપ્ત રહે છે; તેમાં જે આત્મશાંતિ આવે છે, તેવી શાંતિ શાતાના પ્રસંગમાં હોતી નથી. આમ જેણે સમભાવ એટલો બધો કેળવ્યો છે કે ‘‘તું છો મોક્ષસ્વરૂપ’’ એવું આત્મસિદ્ધિજીમાં કહ્યું છે, તે તેમને અનુભવમાં વર્તે છે, તેથી બીજું મોક્ષનું સ્થળ વગેરે તે ઇચ્છતા નથી; કારણ કે તે મોક્ષની મૂર્તિરૂપ બનેલા છે.
ભવ એટલે જન્મવાનું હોય તોપણ, તે દેહમાં વધારે આયુષ્ય હોય અને રહેવાનું હોય તોપણ, તે તેમને બાધ કરી શકે તેમ નથી. પોતાની પાસે જે સુખ છે, તે જેણે પ્રગટ કર્યું છે, તેને આત્માથી બીજી વસ્તુ ઉત્તમ લાગતી નથી. ‘‘આત્માથી સૌ હીન.'' જન્મવાનું હોય તોપણ તેમને સમકિત લઇને પરભવ જવાનું હોવાથી, આત્માની ઓળખાણ ભુલાઇ જાય તેમ નથી. તેવા મહાપુરુષને આત્મા જ સર્વસ્વ છે, અને તે જ અનંત સુખનું ધામ છે. ઇચ્છાથી કોઇ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી તે કંઇ ઇચ્છતા નથી; કર્મ દૂર ક૨વાનો પુરુષાર્થ નિરંતર કર્યા કરે છે, તેને કંઇ ઇચ્છયા વિના જ, મોક્ષ તેમની પાસે આવ્યા કરે છે.
આ વાત વિશેષ, એકાંતમાં વિચારશો તો બહુ આનંદ આવશે અને સત્ય છે, એમ લાગશે.
ખરી રીતે દેહ છે । જ ભવ છે, અશરીરી છે તે સિદ્ધ છે. ‘‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત’' એવી દશા જેને પ્રાપ્ત થઇ છે, તેને ‘‘દેહ છતાં નિર્વાણ’' છે. દેહસહિતદશા અને દેહરહિતદશા જેને સરખી થઇ ગઇ છે, સર્વ પ્રકારના વિકલ્પોનો અભાવ થઇ નિર્વિકલ્પદશામાં સદાય રહે છે, તેને શાતા-અશાતા, સંસાર-મોક્ષ, સદેહદશા કે વિદેહદશામાં કંઇ ભેદ જણાતો નથી, એટલે તે વિકલ્પનું કારણ બનતા નથી. બધી અવસ્થામાં તેને અનંત સુખનો અનુભવ વર્ત્યા કરે છે.
‘ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.'' શરૂઆતની અવસ્થામાં જ્યાં સુધી સંસારના સુખની ઇચ્છાઓ જીવને આકર્ષે છે, ત્યાં સુધી તે પ્રત્યે વૃત્તિ જતી રોકી, મોક્ષની ભાવના કર્તવ્ય છે.
‘‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.'
""
પરંતુ જ્યારે પોતાને કે પરને અર્થે, કંઇ પણ વિકલ્પો ઊઠે નહીં, તેવી નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે, ત્યારે ‘‘મુક્તિ સંસાર બિહુ સમ ગણે.’' એ ભાવ રહ્યા કરે છે. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૭)