________________
૧૯૨
વીરહાક :
સંગ્રામ આ શૂરવીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો; કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજો.
સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવત-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવપ્રેરક પ્રસંગો સામે લડવાનો શૂરવીરનો સંગ્રામનો (યુદ્ધનો) કાળ આવ્યો છે; તે પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યદૃષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શોભાવજો; પણ કાયરની પેઠે લડતાં-લડતાં પાછા હઠી જશો નહીં, પાછી પાની ફેરવી ઘર ભણી દોડી જશો નહીં, અનાદિ દેહદૃષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં.
સમ્યદૃષ્ટિ દેહને ૫૨ ગણે છે અને આત્માને પોતાનું સ્વરૂપ માને છે અને સાક્ષીરૂપે જે થાય તે જોયા કરે છે; પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસોની પેઠે સદ્ગુરુનો સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તો હું મરી જઇશ, મને કોઇ બચાવો ! એમ થાય તો સમ્યક્દર્શન કે સદ્ગુરુનો આશ્રય ખોઇ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારનો મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઇચ્છનાર કાયર સમાન છે, તે સત્પુરુષના ઉપકારને ઓળવે છે, પોતાના આત્માનું હિત ગુમાવે છે અને સમાધિમરણ કરવાનો અવસર આર્ત્તધ્યાનમાં ગાળી, તિર્યંચ આદિ આયુષ્ય બાંધી, અધોગતિમાં ભ્રમણ કરવાનાં કારણો ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પોતાની સાથે લઇ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજો.
આ માસમાં ભાદરણના એક ભાઇનું કેન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું, ‘‘ભગવાન આવ્યા છે; દર્શન કરો, દર્શન કરો.'' આવી શુભ લેશ્યા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છેજી. આખરે, એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે જણાયો છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવો એ કડીનો અર્થ છેજી. (બો-૩, પૃ.૪૨૧, આંક ૪૨૯)
E સમાધિશતક (ગાથા ૨૯) :
મૂઢ વિશ્વાસ રાખે તે - વસ્તુથી વધુ ભીતિ ક્યાં ? ડરે જેથી, વધુ ના કો, અભય સ્થાન આત્મનાં.
દેહમાં આત્મબુદ્ધિવાળો મૂઢ જીવ ધન, સ્ત્રી, પુત્ર આદિમાં સુખબુદ્ધિ કરી, તે તે પ્રાપ્ત વસ્તુમાં વિશ્વાસ રાખે છે; પરંતુ તે જ તેને કર્મબંધનું કારણ છે એમ તેને ખબર નથી; પણ જ્ઞાનીપુરુષો, જે ભવબંધનથી ત્રાસ પામ્યા છે તે પુરુષો, એમ દેખે છે કે જે જે રાગ-દ્વેષનાં કારણો જીવને સમીપ વર્તે છે અને કર્મબંધ કરાવે છે, તેટલાં ભયંકર જંગલના વાઘ, સિંહ આદિ પશુઓ પણ નથી, કે બંદૂકની ગોળી આદિ અસ્ત્ર-શસ્ત્રો પણ નથી.
ત્યાગ, વૈરાગ્ય, રોગ, વ્યાધિ, પીડા, પરિષહ આદિથી અજ્ઞાની જીવ ભય પામે છે; કારણ કે તેને જે પ્રિય છે એવા પંચવિષયાદિક સુખનો વિયોગ કરાવનાર, તે લાગે છે; પરંતુ દીર્ઘદૃષ્ટિથી જોનારા