________________
(૧૭૦)
જાય અને આ પ્રકારે પોતે પોતાનો મિત્ર બની, તેને અનંત પરિભ્રમણથી બચાવનાર, ખરો દયાનો માર્ગ બતાવનાર, દોરનાર બને તેવો કંઈ ને કંઈ પુરુષાર્થ કર્યા વિના દિવસ ન જાય, તેમ કરતા રહેવું ઘટે છેજી. ૫.ઉ.૫.૫. પ્રભુશ્રીજી વારંવાર પોકાર કરીને કહેતા : “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો; તારી વારે વાર, થઇ જા તૈયાર; શું કરવા આવ્યો છે અને શું કરે છે ?'' એ વચનો સંભારતા રહી, મોહનિદ્રામાંથી હવે તો જાગી જવું ઘટે છેજી. પોતે જ કરવું પડશે. સંસારના પ્રપંચમાં તેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે સત્સંગની ભાવના નિરંતર રાખી, બને તેટલો સત્સંગ સેવાયા કરશે તો જરૂર જીવ પોતાનું હિત કરવા પ્રેરાશે. કોઈને માટે ક્યાં કરવું છે? ખરો સ્વાર્થ જ એ છે, પણ મોહ આડે તે ખબર પડતી નથી અને આવા ભયંકર કાળમાં તો વહેલું ચેતી લેવા જેવું છે. કાળની કોને ખબર છે? લીધો કે લેશે એમ થઇ રહ્યું છે તો હવે પ્રમાદ કરવાથી શું વળવાનું છે? જેનાથી જેટલું બને તેટલું, આ ભવમાં કરી છૂટવા જેવું છેજી. ફરી-ફરી આવો અવસર આવવો દુર્લભ છે; માટે લીધો તે લહાવ, બળતામાંથી જેટલું કાઢી લીધું તેટલું તો બચ્યું એમ ગણી, એક ક્ષણ પણ પ્રમાદ કર્તવ્ય નથીજી. વિશેષ શું લખવું? આપે પૂછયું તેનો પરમાર્થ જ્ઞાનીગમ્ય છે, પણ આપણાથી બને તેટલી યોગ્યતા, તેને શરણે વધારીશું તો તેનો ઉકેલ હૃદયમાં આપોઆપ થયા વિના નહીં રહે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.'' એમ પોતે કહેલું છેજી. તે હવે કરી લેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૮૮, આંક પ૨૨).
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. (૭૧૮-૭૭) જગતનો અથવા જીવોનાં કર્મનો, ઇશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે, તે ઈશ્વર છે; અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઇએ; માટે ઇશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ, તો ત્યાં ઈશ્વરનું ઇશ્વરપણું જ રહેતું નથી, કેમ કે પર ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઇશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિન કર્તા થાય તો-તો સંસારની પ્રાપ્તિ થાય છે; તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્યસ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઇશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત જણાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય?