________________
૧૦૧ ) વિભાગ-૩ બ્રહ્મચારીજી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં કાયમ રહેવા માટે પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પોતાના વડીલ બંધુને તેમની અનુજ્ઞા મેળવવા લખેલ પત્ર I અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! ! !
મુરબ્બી ભાઈ નરશીભાઈ, ...બને તેટલું ટૂંકાણ કરીને હું વાત કહેવા માગું છું, પણ તે વાત ચોખ્ખી થાય માટે પહેલું થોડુંક એટલું કહી લઉં છું કે હું જે લખવા વિચાર રાખું છું, તે ઘણા વખત સુધી તેનો વિચાર કરીને લખું છું અને તેમાં તમારું અને મારું, બંનેનું કલ્યાણ આખરે થાય તેવું લાગવાથી, તમને વાંચતાં કંટાળો આવે કે ખેદ થાય તોપણ ખુલ્લા દિલથી જેમ છે તેમ લખી જણાવવા વિચાર રાખ્યો છે. દરેક માણસ સુખની આશા રાખે છે અને સુખ શોધે છે. પોતે માનેલા સુખમાં દરેક મગ્ન હોય છે, તેથી બીજાને માટે આપણે વિચાર કરીએ, તે સામા માણસને પૂરો સંતોષ આપે એવો વિચાર વખતે ન પણ જણાય; પણ જો સારા ભાવથી જો કોઈ કામ કરવા ઇચ્છતો હોય તો તેનો ભાવ આપણને રુચે કે ન રુચે પણ તે સમજી શકાય તો ખરો. તેથી મારી વાત રુચે કે ન રુચે, પણ મારું દિલ સાફ રાખીને નિઃસ્વાર્થપણે મનમાં માયા કે કપટ રાખ્યા વગર, વિચાર આપણા બંને માટે કર્યો છે. તે તમને પસંદ ન પડે તોપણ મારો હેતુ શુદ્ધ છે. સારા ભાવથી હું આ વાત કહેવા અને કરવા ઇચ્છું એટલું તો તમને પણ સમજાયા વગર નહીં રહે, એમ મને લાગે છે. મારી વાત તમને જણાવું છું તેટલી ધીરજથી તમારી વાત મારે સાંભળવી પણ છે અને બંનેમાંથી જે સારી, ઉત્તમ વાત બંનેના અંતરાત્મામાં બેસે તેનો વિચાર કરી આગળ પગલું લેવું છે. આ કાગળ લખતાં કંઈ બનાવટી કે જોડી કાઢીને કશી વાત નથી કરવા ઇચ્છતો, પણ જે જે વાતો મેં જાતે અનુભવી છે તે ઉપરથી મારા વિચાર, છેવટના, તમારા આગળ મૂકવા વિચાર છે. તેમ છતાં તમને એમ લાગે કે મને કોઇની શિખામણથી કે ભોળવણીથી એ વિચાર આવ્યા છે, તોપણ એટલું તો માનજો કે મેં આ પત્રમાં લખેલી બાબતો માટે ઘણો વિચાર કર્યો છે અને ટૂંકામાં કહું તો આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાનો અનુભવ લઇને, ઘણા લેખકોએ પોતાનો અનુભવ પુસ્તકોમાં લખેલો તે સમજીને અને જીવતાજાગતા સંતપુરુષોની દશા ગજા પ્રમાણે સમજીને, દહીં વલોવીને માખણ નીકળે તે જેમ ઢોરને પાળવાની મહેનતના ફળનું ટૂંકું રૂપ છે, તેવું મને જે કંઈ સંસારમાં સમજાયું છે તે ટૂંકામાં આ પત્રમાં મારા જાતઅનુભવના કંઈક સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું અને તે દ્વારા તમારું ચિત્ત-આત્મા સાચી વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેનો વિચાર કરે, અને મારી અંતરની ઇચ્છા સમજી તેમાં ખભો થાબડવા જેવો ઉત્સાહ આપી મને વિશેષ ઉન્નત કે ચઢતી દશામાં જોઈ રાજી થવાનું તમારો આત્મા ઇચ્છે અને તેમાં સંમતિ અને સહાય આપે એટલો જ હેતુ, આ પત્ર લખવાનો છે. આ પત્રમાં કંઈ દોષ જેવું જણાય તો તે મારો જ છે, એમ માનવા વિનંતી છે; અને કંઈ પણ સાચી વસ્તુ સમજવામાં તમારા આત્માને મદદ થાય તો તેનું કારણ જેનો મને રંગ લાગ્યો છે તે સંત પુરુષ જ છે, એમ માનશો; કારણ કે કડવી તુંબડીમાં દૂધ ભર્યું હોય તે પણ કડવું થવા સંભવ છે, અથવા રંગેલું કપડું