________________
(૧૨૮ યશોવિજયજી I યશોવિજયજીના દાદી રોજ ભક્તામર એક મુનિ પાસે જઈને સાંભળીને પછી જમતાં, એવો તેમને નિયમ હતો. એટલામાં ચોમાસાના દિવસો આવ્યા. આઠ દિવસ લાગેટ વરસાદ વરસ્યો, તેથી ભક્તામર સાંભળવા જઈ ન શક્યાં. યશોવિજયજી તે વખતે પાંચ વર્ષના હતા. તેઓ પણ જ્યારે દાદીમા ભક્તામર સાંભળવા જાય ત્યારે સાથે જતા. બે-ત્રણ ઉપવાસ થયા ત્યારે યશોવિજયજીએ પૂછયું કે કેમ નથી ખાતાં ? તેમણે કહ્યું, ભક્તામર સાંભળ્યા વગર ખાવું નહીં, એવો મારે નિયમ છે. વરસાદ બહુ પડે છે, તેથી સાંભળવા જવાતું નથી. યશોવિજયજીએ કહ્યું : લો, હું સંભળાવું. દાદીમાએ કહ્યું ત્યારે તો સારું, સંભળાવ. યશોવિજયજીએ કહ્યું : મને ઊંચે આસને બેસાડો. ડોશીમાએ તેમને ઊંચકીને તાકામાં બેસાડયા અને પછી બોલવા કહ્યું ત્યારે યશોવિજયજી ભક્તામર સ્તોત્ર પૂરું બોલી ગયા. પછી વરસાદ બંધ થયો ત્યારે ડોશીમા યશોવિજયજીને સાથે લઈ મુનિ પાસે ગયા. મુનિએ પૂછયું કે આટલા દિવસ કેમ ન આવ્યાં? ડોશીમાએ કહ્યું કે આ મારો જસીયો છે, તે મને રોજ સંભળાવતો હતો. મુનિને લાગ્યું કે એ છોકરો ગૃહસ્થને ત્યાં શોભે એવો નથી; મુનિ થાય તો શાસનનો ઉદ્ધાર થાય. એમ વિચારી ડોશીમાને કહ્યું, આ છોકરો અમને આપી દો. ડોશીમાએ હા કહી. પછી મુનિએ યશોવિજયજીને દીક્ષા આપી. થોડા વર્ષોમાં સૂત્રો વગેરે બધું ભણી ગયા, પછી ગુરુએ તેમને કાશી મોકલ્યા. ત્યાં યશોવિજયજી બહુ ભણ્યા. ભણીને પાછા પોતાના જ ગામમાં આવ્યા. તેઓ ઉપરા-ઉપર બે પાટ મુકાવી, ઊંચે બેસી વ્યાખ્યાન કરતા, અને પાટ ઉપર ઘણી ધજાઓ લગાવડાવતા. તે મનમાં એમ માનતા હતા કે મારા જેવો કોઈ નથી. એ વાતની ડોશીમાને ખબર પડી. તેમને લાગ્યું કે કાશી ભણી આવ્યો, તેથી આવડો ડોળ શું કરે છે? અભિમાનમાં ચઢી ગયો છે. તેથી એને શિખામણ આપું, એમ કરી તે ઉપાશ્રયે ગયાં. ત્યાં યશોવિજયજી વ્યાખ્યાન કરતા હતા. ડોશીમાએ પૂછયું, પહેલાંના ગણધરોને કેટલાં જ્ઞાન હતાં? યશોવિજયજીએ કહ્યું, ચાર. ડોશીમાએ પૂછયું, હવે વર્તમાનમાં કેટલાં? ત્યારે યશોવિજયજીએ કહ્યું, મતિ અને શ્રત – બે. ડોશીમાએ પૂછયું, ગણધરો કેટલી ઘજા રાખતા હતા ? એટલે યશોવિજયજી સમજી ગયા, અને બધી ધજાઓ ઉતારી લીધી. એમના ગુરુને પણ લાગ્યું કે અભિમાનમાં ચઢી ગયો છે. તેથી બોલાવીને કહ્યું કે તમે આનંદઘનજીને મળજો. ગુરુના વચન ઉપર વિશ્વાસ, તેથી મનમાં રહેતું કે આનંદઘનજીને મારે મળવું. એક દિવસ જંગલમાં ગયાં, ત્યાં આનંદઘનજી મળ્યા. નમસ્કાર કરીને યશોવિજયજી ત્યાં બેઠા. આનંદઘનજીએ પૂછયું કે તમને દશવૈકાલિક સૂત્ર આવડે છે? યશોવિજયજીએ કહ્યું, હા આવડે છે. ત્યારે આનંદઘનજીએ કહ્યું કે તેની પહેલી ગાથાનો અર્થ કરો.
"धम्मो मंगलमुक्किठं अहिंसा संजमो तवो ! देवा वि तं नमस्संति जस्स धम्मे सया मळो ।।''