________________
(૧૫૪)
બાહ્યાચરણથી મહાત્મા તેણે માન્યા છે અને બાહ્યક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી, પૂર્વે એટલે અજ્ઞાનદશામાં બાંધેલાં કર્મનો જ્ઞાનદશામાં મહાત્માને ઉદય આવ્યો છે તે વખતે, મહાત્માનાં અંતરંગ પરિણામ તો જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવાં નથી, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ રાખી, અંતઃકરણમાં પશ્ચાત્તાપપૂર્વક વર્તે છે; પણ શિષ્યમાં, જ્ઞાનીનું અંતર કેવું છે, તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી, તેથી તે તો એમ માને છે કે હું પણ આવા નિંદવા લાયક કર્મને તજી શકું તેમ છું તો મહાત્મા તેનો ત્યાગ કેમ કરતા નથી ? શું મોહને લઈને તેમનું જ્ઞાન નાશ પામ્યું હશે ? વગેરે તર્કોથી તેને ગુરુનું આચરણ, નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગે છે.
પરમકૃપાળુદેવ કહેતા કે લોકોનો શો વાંક કાઢવો ? નાના છોકરા પણ ત્યાગ કરી શકે તેવો ત્યાગ અમારામાં ન દેખાય (રાત્રે પાણી પીવું પડે, વગેરે) તો લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટતા પડે, તેમાં નવાઈ શી છે? આ જ્ઞાનીને દયા આવવાથી જણાવ્યું છે, પણ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, તે પ્રશ્ન છે.
મુમુક્ષુએ તો, એવા મહાત્માનો મને યોગ થયો છે, તે મારાં મહાભાગ્ય છે, એમ માનવું. મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થઈ, મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે, તો મારે તેમના બોધમાં લક્ષ રાખવો છે. આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે. તેથી, આચરણ પૂર્વકર્મ છે, તે તરફ જો હું નજર રાખીશ તો મને અનંતાનુબંધીનો ઉદય મંદ પડ્યો હશે, તે તીવ્ર થશે અને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વ ક્રિયા મારે તો પૂજ્ય છે. તે કરે તેમ મારે કરવું નથી, કહે તેમ કરવું છે. હું તો આંધળા કરતાં પણ ભંડો છું. આંધળો તો દેખે જ નહીં પણ હું તો અવળું જ દેખું છું. ઉપકાર માનવો ઘટે ત્યાં દોષ દેખી નિંદા કરવા તત્પર થાઉં છું, તો મારે તરવાનો યોગ ક્યાંથી બનશે?
મુમુક્ષુએ સપુરુષના દોષ જોવાથી પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ, તેનું દ્રષ્ટાંત પ.પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું :
એક ગુરુ-શિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછયું, શું કામ આવ્યો છે ? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા, પૂર્વના વેરને લઇને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી, ગળાની ચામડી ચપ્પથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી, પણ ગુરુને જોયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો.
આ શિષ્યની પેઠે, મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે, તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય; પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું, એ આપણું કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૯)