________________
૧૪૨
ઘણા મનુષ્યભવો મળ્યા, તે બધા શામાં ગયા ? તો કે કેટલાય ભવ શાસ્ત્રો ભણવામાં, જપ-તપ વગેરેમાં ગયા, પણ આજ્ઞામાં એકતાન થવાયું નથી. પાંચ ઇન્દ્રિયોરૂપી ચોર છે, તે જીવનો ઉપયોગ ચોરી લે છે. એકતાન થયા વિના માર્ગ મળે એવો નથી. એ થવું બહુ દુર્લભ છે; અને એ વિના તો છૂટકો નથી. ટૂંકામાં, જીવને કરવા યોગ્ય શું છે, તે બતાવ્યું.
-
કોઇ મહાપુણ્યના યોગે આજ્ઞા મળે અને તેને ઝૂરણા સહિત આરાધે તો જીવ છૂટે, નહીં તો છૂટે એવો નથી. જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં મોહ મદદ કરે, એમ નથી. બધું ભૂલવાનું છે. ઉપયોગને ઉપયોગમાં રાખવાનો છે. ઘણા શ્વાસ રોકે છે, ઇન્દ્રિયો રોકે છે; પણ જ્યાં સુધી મોહ મદદ કરે, ત્યાં સુધી છૂટે નહીં.
આજ્ઞાથી માર્ગ સુલભ છે. આજ્ઞામાં ચિત્ત અચળ થાય તો કર્મ બંધાય નહીં. એ આજ્ઞા જીવને સમજાતી નથી, એની અપૂર્વતા જીવને લાગતી નથી. (બો-૧, પૃ.૩૦૩, આંક ૫૭)
બીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ;
અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. (૧૫૪)
યમ નિયમ સંજમ આપ કિયો''માં જણાવેલાં સાધનો સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણાં કર્યાં અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે; તેથી, મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજાં સાધન'' કહ્યાં; ‘‘કરી કલ્પના આપ'' એમાં સ્વચ્છંદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તો અસદ્ગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને ક્લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮,૦૦૦ સાધુને વંદના કરી; પણ શરીરને શ્રમ પડયો, તે સિવાય બીજું કાંઇ ફળ મળ્યું નહીં, કારણ કે પોતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ.
અનેક પ્રકારની સુખસામગ્રી જીવને મળી હોય, તે બધા કરતાં ઉત્તમ ગણવા યોગ્ય, પુણ્યના ફળરૂપ સદ્ગુરુનો યોગ મળવો, એ છે એમ પહેલી લીટીમાં જણાવ્યું. જેને સદ્ગુરુનો યોગ મળ્યો છે, તે મહાભાગ્યશાળી છે. પૂણિયાશ્રાવકની પાસે પૈસોટકો કે સુખસામગ્રી બહુ નહોતી. પરાણે દિવસ પૂરા થાય તેવી, પૂણિયો વેંચીને ગુજરાન ચલાવવું પડે તેવી પુણ્યસામગ્રી હતી; તોપણ શ્રી મહાવીર ભગવંતે શ્રી શ્રેણિકરાજા કરતાં તેની મહત્તા વિશેષ બતાવી. તેથી બાહ્ય પુણ્ય કરતાં, ધર્મ-આરાધન થઇ શકે તેવો યોગ અને પોતાની તેવી યોગ્યતા, એ પ્રશસ્ત પુણ્યનું ફળ છે.
સદ્ગુરુયોગ સફળ કેવા ક્રમે કરીને થાય છે, તે બીજી લીટીમાં જણાવ્યું કે વચનરૂપી સુધા (અમૃત) સાંભળતાં હ્દયમાં જે શોક, અશાંતિ, ઉત્તાપ, ક્લેશ હતાં તે શાંત થઇ ગયાં અને હૃદય શોકરહિત, પ્રસન્નતાવાળું, હલકું ફૂલ થઇ ગયું. સદ્ગુરુનાં વચનો જીવમાં ઉલ્લાસ પ્રેરે છે. તે જ તેને સદ્ગુરુ ઉપર શ્રદ્ધા થવામાં મદદ કરે છે, તે હવે કહે છે :
નિશ્રય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.