________________
૧૪૫
કરાવીને પરમપુરુષ, જે અલખ વાર્તાના અગ્રેસર જ છે, તેમણે પોતાની હયાતીમાં સમાધિમરણમાં અગ્રેસર કર્યા અને મહામુનિઓને દુર્લભ એવું સમાધિમરણ કરાવ્યું, તેથી એ વાક્યનો પરમાર્થ અક્ષરે-અક્ષર તે પુરુષે સત્ય કરી બતાવ્યો છેજી.
પરમકૃપાળુદેવનાં વચનો અલખ વાર્તાના સાચા લેખ છે, તે જેના હૃદયમાં વસશે, તેને નમસ્કાર છેજી. (બો-૩, પૃ.૪૨૨, આંક ૪૩૦)
કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. (૧૭૦)
આ પત્રમાંના કેટલાક વાક્યો પોતા માટે છે. કેટલાંક બંનેને (પોતાને અને પૂ. શ્રી સોભાગભાઇને) ઉદ્દેશીને લાગે છે.
પહેલું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી, તેમ શ્રોતાઓને પણ અનુકૂળ નથી; કેમ કે રસલુબ્ધ, યશલુબ્ધ, માનલુબ્ધ આદિ મોહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય તે જેના હ્રદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છંદ-પરિણામી હોય, તે ભલે ભગવાનનાં સૂત્રો વાંચે; પણ બ્રાહ્મણિયા રસોઇ અત્યંજ (ભંગી) પીરસે, તે કોને કામ આવે ? તેમ મિથ્યાત્વભાવ સહિત જે પ્રરૂપણા છે, તે પકવાન્નને વિષમિશ્રિત કરનારતુલ્ય છે.
બીજું વાક્ય, પોતાના જ્ઞાન વિષે ઉલ્લેખ છે.
પરાર્થ સાવઘ વર્તન, ભૂત ભાવિ વર્તમાન; સભાદિમાં જાણી વદે - નહીં, સપાપ મુનિ માન. (બો-૩, પૃ.૭૦૦, આંક ૮૪૧)
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. (૧૭૨)
પરમકૃપાળુદેવ સિવાય બીજી વાતોમાં વૃત્તિ જતી રોકવી ઘટે છે. જગતમાં અનેક પ્રકારો જોવાય, સંભળાય, જણાય તે પ્રત્યે ઉપેક્ષા રાખી વર્ત્યા વગર છૂટકો નથી. બને તેટલું જગત સંબંધી ભૂલી જઇશું તો જ પરમાર્થની તાલાવેલી જાગશે અને નજીવી વસ્તુઓ સંબંધી ચિત્તમાં વિચારો આવ્યા કરશે, ત્યાં સુધી અગત્યના અલૌકિક-વિચારોને સ્થાન નહીં મળે. તેવા વિચારો ઊગશે પણ નહીં કે ટકી પણ નહીં શકે. માટે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવાની પ્રથમ ભલામણ કૃપાળુદેવે કરી છે, તે બહુ અગત્યની છેજી. (બો-૩, પૃ.૭૧૪, આંક ૮૬૪)
સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ (૧૯૪)
સત્સ્વરૂપ કે શુદ્ધ ધર્મને નમસ્કાર, ભાવ-ભક્તિથી તેવા થવા, તેવી અભેદભાવના કરી કર્યા છે અને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ એક જ વાક્યમાં દર્શાવી દીધો છે.
પત્રને અંતે જણાવેલા ચાર પ્રતિબંધો - લોકલાજ, સ્વજનકુટુંબ, દેહાભિમાન અને સંકલ્પ-વિકલ્પ, જેને ટળી ગયા છે તેવા ભાવ અપ્રતિબંધપણે નિરંતર વિચરતા જ્ઞાનીપુરુષના ચરણારવિંદની ઉપાસના, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યપ્રતીતિ (સત્પુરુષની ઓળખાણપૂર્વક આત્મસ્વરૂપની પ્રતીતિ) આવ્યા વિના, પોતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ (ઓળખાણ) જીવને થતી નથી. એટલી યોગ્યતા આવ્યે,