________________
૧૨૭
ભગવાન મહાવીર દીક્ષા લઇને મુનિ થયા, સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કર્યો અને સાડાબાર વર્ષ મૌનપણે, અનિદ્રાપણે વિચર્યા. આહાર પણ બહુ જ થોડો, બે-ચાર મહિનામાં એક વખત લેતા; એટલે સાવ નવરા, તે શું કરતા હશે ? કંઇ પણ કામ નહીં, કોઇથી બોલવું નહીં, ખાવું નહીં, પુસ્તક પણ વાંચતા નહોતા; અને નગ્ન વિચરતા એટલે કપડાનીય ખટપટ નહોતી, કોઇને બોધ પણ આપતા નહોતા. ત્યારે એટલો બધો કાળ એમણે શું કર્યું ?
જે ત્રેવીસ તીર્થંકર થયા, તેમનું આયુષ્ય ઘણું હતું અને કર્મ અલ્પ હતાં. જ્યારે એ ત્રેવીસ ભગવાનનાં જેટલાં કર્મ હતાં, તેટલાં એક મહાવીર ભગવાનને કર્મ બાકી હતાં અને આયુષ્ય બહુ જ અલ્પ હતું; એટલે કામ ઘણું અને વખત થોડો હતો. તેથી તેમણે કેવળ પોતાનાં કર્મ પતાવવા જ સતત ઉપયોગ આપેલો. સાડાબાર વર્ષ પર્યંત મૌન અને જાગૃત રહી, ધાતીકર્મ ભસ્મીભૂત કરી, કેવળજ્ઞાન પ્રગટ કર્યું.
આપણે માથે તો કર્મ કેટલાં બધાં હશે, કેટલો બધો પુરુષાર્થ કરવો પડશે, અને કેટલો કરીએ છીએ ? તે વિચાર કરી, પુરુષાર્થ ઉગ્રપણે આરાધવો. (બો-૧, પૃ.૩૫, આંક ૭)
જગતનો પ્રવાહ મોટે ભાગે આવો ને આવો જ વહે છે. શ્રી મહાવીરના સમયમાં ગોશાલા આદિના શિષ્યો સત્યમાર્ગ કરતાં પણ વિશેષ હતા અને તેને ભગવાન માનીને શ્રી વીર પરમાત્મા પ્રત્યે પણ વિમુખ રહેતા; તો આવા કાળમાં આમ હોય એમાં નવાઇ નથી. પ.પૂ. પ્રભુશ્રીજીનો અનંત ઉપકાર છે કે તેમણે આવા લોકપ્રવાહમાં તણાતા આપણને બચાવ્યા છે, નહીં તો આપણું ગજું નથી કે ન તણાઇએ. (બો-૩, પૃ.૬૬૧, આંક ૭૮૯)
D મરણ આગળ તો ઇન્દ્ર પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્રે કહ્યું કે હે ભગવાન ! આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાનો છે, માટે આપ થોડુંક આયુષ્ય વધારો તો અટકે, ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કોઇ સમર્થ નથી. (બો-૧, પૃ.૮૯)
મોહનલાલજીમનિ
ભાદરવા સુદ છઠ્ઠને દિવસે પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીની તબિયતમાં એકાએક ફેરફાર જણાયો અને બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા. ૫.પૂ. પ્રભુશ્રીજીની શુભ શીતળતામય છાયામાં તેમણે દેહત્યાગ કર્યો, એ મહાપુણ્યનું ફળ છે. જેમણે પરમકૃપાળુદેવનાં સાક્ષાત્ દર્શન કરેલાં, પ્રત્યક્ષ પુરુષનો બોધ સાંભળેલો અને દૃઢ શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પામેલા, એવા તે પૂ. મુનિદેવશ્રી આખી જિંદગી પ.પૂ. પ્રભુશ્રીજીના સહવાસમાં આજ્ઞાંકિતપણે ગાળી, અપૂર્વ કમાણી ઉપાર્જન કરી, દેવગતિ પામ્યા છેજી.
તેમના વિયોગથી આશ્રમમાં બધે ખેદ અને શોકનું વાતાવરણ થઇ રહ્યું છેજી. તેમની ક્ષમા, સહનશીલતા, પરમ વિનય, આજ્ઞાંકિતપણું, પરમપુરુષની દૃઢ શ્રદ્ધા અને ભક્તિ વારંવાર યાદ આવી, તેમના વિયોગનું સ્મરણ તાજું રાખે છેજી. સર્વ મુમુક્ષુજીવો પ્રત્યે તેમનો વાત્સલ્યભાવ અને બોધનું ઉપકારીપણું વીસરાય તેવું નથી. તેમની સર્વ સંઘને, ન પુરાય તેવી ખોટ પડી છે. (બો-૩, પૃ.૬૯, આંક ૫૮)