________________
(૧૦૪) ભિખારીની પેઠે પાછા ચાલી નીકળ્યા; છતાં પૂર્વના પ્રારબ્ધને લીધે લક્ષ્મી તેમની પાછળ ફરે છે, પુણ્યનો ભોગવટો તેમના નસીબમાં લખેલો, તે આગળ ફરી વળે છે. આ વાત તો માત્ર તેમની દશા કંઇક બતાવવા જ કહી. તેમને કંઈ સ્વાર્થ નથી કે મારો ધર્મ ચલાવવો છે કે ચેલા કરવા છે, પણ એવી લાલસાઓથી તેઓ મુક્ત જ છે. એવું હોત તો ખંભાતમાં તેમના ઘણા વખતના ઓળખીતા શિષ્યો અને સાધુઓ સેવાભક્તિ કરનાર હતા, તેમને તજીને તે ચાલી નીકળત નહીં; પણ જે જે આપણને સુખરૂપ લાગે છે, તે તેમને ઝેર જેવું લાગે છે; કારણ કે ભગવાનની કૃપાદ્રષ્ટિનો તેમને સાક્ષાત્ અનુભવ થયો છે. તેમનો સમાગમ થોડા કાળ સુધી કરનારને પણ આ વાત તો સમજાય છે. આવા પુરુષનો સમાગમ પૂર્વનાં કોઈ પુણ્ય જાગવાથી આ ભવમાં મને મળી આવ્યો અને તેમની કંઇક ઓળખાણ થવાથી મને પણ મોક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે. કેવી રીતે, તેમના કહ્યા પ્રમાણે રાતદિવસ રહેવાય, તેના વિચાર વારંવાર આવ્યા કરે છે અને સંસારમાંની કોઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની ઇચ્છા રહી નથી. તેથી જ તમને બધાને પણ કંઈક એમ લાગ્યા કરે છે કે મેં પણ તડ બદલ્યું છે; સંસારનો રસ્તો ભૂલી બીજો રસ્તો હું શોધી રહ્યો છું. ચાર-પાંચ વર્ષથી હું અગાસ જઉં છું. મધ્યસ્થવૃષ્ટિથી, ત્યાં જે કામ થયાં જાય છે તે, જોઉં છું. તેમાં કોઈની સ્વાર્થદ્રષ્ટિ મને જણાઈ નથી; ઊલટું જે આ ભવમાં સમજવા જોગ છે અને કરવા જોગ છે તેની જ વિચારણા અને ઉપદેશ થાય છે; તથા તે પ્રમાણે વર્તન થવામાં જે જે જરૂરનું કે યોગ્ય હોય તેવું વાતાવરણ ત્યાં ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો ત્યાં થઈ રહ્યા છે, એમ મને લાગ્યા કર્યું છે. જે જે પુરુષો આત્મધર્મ પામ્યા છે, તેમણે જે જે કરેલું અને તે ઉપરથી આપણે જે કરવાનું છે, તે ત્યાં સહેજે થયાં જાય છે, એ પણ અનુભવ ઉપરથી મને સમજાતું જાય છે. તે મહાપુરુષોની સોબતમાં સદાય રહેવાય તો મોક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે, એવો નિર્ણય અંતરાત્મામાં દ્રઢ થતો જાય છે. ઘણી વાર એમ જ થઈ આવે છે કે બધું પડી મૂકીને એ જ રસ્તે આવરદાનાં જેટલાં વર્ષ બાકી હોય તેટલાં તે જ રસ્તે ગાળવાં, પણ તેમ કરી શકાય તેવા સંજોગો નથી એમ મનમાં થઈ આવવાથી વિચાર પાછો પડી જાય છે, અને કોઈના આગળ દયની આ વહાલી ઇચ્છાની વરાળ સરખી કાઢવાની હિંમત ચાલતી નથી. જે બની શકે એમ નથી, તે વાત કોઈના આગળ શું કામ કરવી ? એવા વિચારમાં ચિત્ત ઘણી વાર મૂંઝાયા કરે છે. હવે મોક્ષની તૈયારીના સંયોગોમાં મુખ્યત્વે તો માર્ગ દેખાડનાર સાચા પુરુષ મળે એ એક અને તેના દેખાડ્યા પ્રમાણે તેની આજ્ઞાએ વર્તનાર, એ બેનો જોગ જોઈએ. તેમાં માર્ગ દેખાડનારની ખાતરી તો અંતરમાં થાય છે કે તે સાચા પુરુષની આજ્ઞા ઉઠાવી શકાય તો મોક્ષ બહુ દૂર નથી. માર્ગનો પાકો ભોમિયો મળ્યો છે. હવે રહી કચાશ તે માર્ગે ચાલનારની. તેમાં હવે ઢીલ કેમ થાય છે ? એમ મારા મનમાં વારંવાર પ્રશ્ન થાય છે અને તમને કે આ વાત જાણનાર ગમે તેને એમ પૂછવાનું મન થાય કે તમે ઘરનું તો કંઈ કામ કરતા નથી અને સોસાયટીમાં કાંઈ કમાવા રહ્યા નથી, તો તમારા મનનું ઘારેલું કામ કરતાં તમારો હાથ કોણ ઝાલે છે? મને પણ તે જ પ્રશ્ન મૂંઝવે છે કે આ જિંદગીમાં જેને માટે હવે જીવવું ગમે, તેવી વસ્તુ જો ન બનતી હોય એટલે મારા આત્માનું હિત જો હું સાધી શકતો ન હોઉં અને બીજાને પણ જો હું ઉપયોગી ન થઈ શકે તો મારા જેવો મૂર્ણો બીજો કોઈ ગણાય નહીં. આ વિચાર જુદી-જુદી રીતે કર્યા પછી, મને સંસારમાં બાંધી રાખનાર બંધનો ચાર મુખ્ય ગણાવી શકાય તેવાં લાગ્યાં છે :