________________
૧૨૪
અત્યારે નથી (ઇચ્છા છે), તેમ બફમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી; જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવો દંભ રાખવો નથી, જગત પ્રત્યે અનુકંપા વર્તે છે.
તે ષપદ યથાર્થ સ્વરૂપ, જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઇ પણ મતમંડન કે ખંડન થઇ શકે તેમ નથી. તે છ પદનું સ્વરૂપ, જેમ જેમ વિચારજ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્રધર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તો દેશવિરતિપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઇચ્છા રહે છે. આપને પણ હાલ તો ચારિત્રધર્મ ગુણ જે પ્રકારે પ્રગટ થાય, તે પ્રકારે વર્તી વિચારદશા જાગ્રત કરવાનો પરિચય રાખશો. જેમ જેમ વિચાર-જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ, અસંગપણું વિશેષ રુચિકર થશે, નહીં તો પછી કંટાળો આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે.
આચાર્યગુણસંપન્ન થવા પ્રથમ તેવો દંભ રાખી નામાચાર્યપણું કહેરાવવા લખ્યું નહોતું, પણ તેવા ગુણો જલદી પ્રદીપ્ત થાય તેમ કરો, એ આશયથી લખ્યું હતું.
લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણી જ ઊર્મિઓ ઊગી આવતી પણ હવે તો કંટાળો ખાઉં છું. માટે અવસરે બનશે તો રૂબરૂમાં વાત -’'
પ.પૂ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અલભ્ય સેવા, અનન્યભાવે આરાધનાર પ.પૂ. અંબાલાલભાઇએ પ.પૂ. પ્રભુશ્રીજી ઉપર લખેલા પત્રની આ નકલ, આપ સૌ આત્માર્થી જનોને વાંચન, મનન અને નિદિધ્યાસન અર્થે મોકલી છે. તેનો સદુપયોગ કરી આત્મહિતમાં વૃદ્ધિ કરશોજી.
પૂ. શ્રી અંબાલાલભાઇની ગણધરતુલ્ય શક્તિ હતી અને મુનિવરોને પણ માર્ગદર્શક નીવડે તેવી તેમની લઘુતા, હિતશિક્ષા અને વિચારણા, લક્ષમાં લેવા યોગ્ય છેજી.
‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' એ કહેવત પ્રમાણે, કંઇ પણ સમજાયાનું અભિમાનરૂપ ભૂત વળગે નહીં અને આત્મહિત પરમકૃપાળુદેવને શરણે સાધવાનો પુરુષાર્થ પ્રબળપણે વર્ત્યા કરે, એ લક્ષ રાખવાયોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૩૩, આંક ૫૮૩)
આનંદશ્રાવક
D મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહ્યું કે આનંદશ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તો પહેલો દેવલોક દેખાય છે. ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મળતા થાય નહીં એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગો.
ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઇ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તો હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે. તેં એને શંકામાં નાખ્યો છે, માટે તારે માફી માગવી જોઇએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઇને આનંદશ્રાવક પાસે માફી માગી આવ્યા. આમ જીવ પોતાની નિર્મળતા કરે તો થઇ શકે છે. (બો-૧, પૃ.૨૭૦, આંક ૬)