________________
૮૯
(૮૯) વિભાગ-ર પ્રભુશ્રીજી પ્રભુશ્રીજી ઉપરના પત્રો D અનન્ય શરણના આપનાર એવા સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી
ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! ભવોભવનાં દુઃખ દૂર કરનાર, પરમકૃપાળુ પ્રભુએ કરુણા કરી, આ દીન દાસની બે વર્ષ ઉપરની અરજી ધ્યાનમાં રાખી, નિશાળમાં પધરામણી કરી જે આનંદ અને શ્રેયનું દાન દીધું, તેનો આભાર માનવા જેટલો પણ વિવેક તે વખતે રહ્યો ન હતો અને બાંધણીથી તેડવા આવેલા ગાડામાં જવું પડ્યું હતું, તે બદલ ક્ષમા માગી લઉં છું. મારે સ્ટેશન ઉપર આવી જવું જોઈતું હતું, તે ન અપાયું માટે હજી પણ ખેદ રહે છે. વચનામૃતમાં પત્રાંક ૩માં જણાવ્યું છે કે ગુરુદેવને શિષ્યની દશા જ્ઞાત હોય છે, તેમ છતાં આત્માર્થી જીવે તે વિદિત કરવી એ હિતનું કારણ છે. એ વાંચ્યા પછી આપના અનુગ્રહની સ્મૃતિ ઘણી વખત રહેતી, તે લખી જણાવવા વૃત્તિ થઈ. આણંદ કસરતશાળામાં ભક્તિ થયા પછી બેત્રણ દિવસ તો આપનું જ ચિંતન રહેલું; આંખ મિંચાય કે આપ ખડા થતા. રજાના દિવસોમાં ભાઈ ભગવાનજીનો સત્સંગ રહેતો, તે ઉપરાંત વચનામૃતનું વાંચન અને તત્ત્વજ્ઞાનમાંના કાવ્યો મુખપાઠ કરતો; છતાં આપના વિયોગમાં જાગૃતિ ઘણી વખત રહેતી નથી, પ્રમાદ ઘેરી લે છે, એ આ રજાઓમાં સ્પષ્ટ જાણ્યું. ગયા વર્ષ કરતાં આ વર્ષની ઉનાળાની રજાઓ સારી રીતે ગઈ લાગે છે. બે વર્ષ ઉપર આપ અમદાવાદ સેનેટોરિયમમાં પધાર્યા હતા; તે વખતે એક વખત આણંદ પધારવા પત્ર લખી વિનંતી કરી હતી તે ફળી અને ધાર્યા કરતાં વધારે આનંદ અને ફળદાયી નીવડી છે. તેથી બીજી અરજ ગુજારવા આ કિંકર રજા લે છે. જ્યારથી આપ પ્રભુશ્રીના સમાગમમાં હું આવ્યો ત્યારથી મનમાં મને પિતા ઉપર ઉલ્લાસ અને પ્રેમ આવે તેમ આપની પ્રત્યે થયા કરે છે, પણ મારાં દુર્ભાગ્યે આ દેહના સંસારી પિતાની સેવા ઉઠાવી શક્યો નથી; તેમ આપની સેવામાં રહેવાની ભાવના મૂળથી રહ્યા કરી છે, પણ સફળ હજી થઈ નથી. આપશ્રી અગાસ પધારો ત્યાર પછી બાર માસ સુધી, આપની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા એકલો અગાસ આવવા વિચાર રાખું છું. તે અરસામાં જે સેવા બતાવો, તે ઉઠાવવા ઇચ્છા છે. તેને માટે જે યોગ્યતાની જરૂર હોય તેની તૈયારી હું થોડે થોડે કરતો રહું, એ હેતુથી આટલા બધા દિવસ પહેલાં હું અરજી કરી મૂકું છું. મારી રજા ફાગણથી ચઢતી થાય છે; પણ જો અહીંના માણસોના મનમાં એમ આવે કે બે માસ પછી જાય તો સારું, તો તેમનું મન રાખવા જ બે માસ ખેંચવા પડે; નહીં તો ફાગણની શરૂઆતથી કે હોળીથી હું આપની સેવામાં સહેજે આવી શકે તેમ છે. આ તો સરળતાની વાત કરી, પણ તે પહેલાં ગમે તે ક્ષણે જો આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તો કોઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હોય તેમ તેને છોડી, આપની સેવામાં હાજર થવાનો ઘણા વખતનો મારો નિશ્વય છે. સંસાર તજવાની ભાવના ઘણી વખત ઉત્કટ થઈ આવવા છતાં તજી શકાતો નથી; અસાર જાણ્યા છતાં તેમાં જ રોકાઈ રહેવાય છે. જાણે કોઈને તરવાની ઇચ્છા હોય, તરતાં આવડશે એવી શ્રદ્ધા હોય, કિનારે ગયો હોય, પણ કોઈ ધક્કો મારે તો પાણીમાં પડું કે કોઈ પાણી છાંટે તો ટાઢની બીક જતી રહે એવી