________________
66
છૂટવાની વાતનો આત્માથી ભણકાર થાય છે. સંસારમાં તેને નિરાંતે તે સૂઇ રહેવા ન દે, ક્યાંય ચેન પડવા ન દે, સૂરણા જગાવે.
પણ ક્યારે કે સાચા પુરુષના બીજને સાચો થઇને આ જીવ જો ઝીલે, પોષે, પથ્ય પાળે તો; નહીં તો વંધ્યા બાઇ, કે જેને ગર્ભ ગળી જતા હોય તેવી બાઇને પુત્રપ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થવો દુર્લભ છે; તેમ જીવ જો સત્પુરુષના ઉપકારને સંભારે નહીં, ધન સ્ત્રી કુટુંબના જ વિચારોમાં દિવસ ઉપર દિવસો વિતાવે અને સત્પુરુષનાં વચનના વિચારથી, તેની આજ્ઞાના આરાધનથી આત્મહિતને પોષતો ન રહે, તો સત્પુરુષનો યોગ તે ન મળ્યા જેવો પણ થઇ જતાં વાર ન લાગે, એવો આ કુંડાવસર્પિણી દુષમકાળ છે. માટે આ વિકટ પ્રસંગમાં પુરુષાર્થ પણ વિકટ કર્તવ્ય છેજી.
પહેલાં તો જતાં-આવતાં કે સત્પુરુષ વિહાર કરતાં કંઇ દર્શનમાત્રનો લાભ થઇ જાય તોપણ જીવના ભાવ પલટાઇ જતા. તેવા સરળ ભદ્રિક જીવો હતા અને અતિશયધારી સત્પુરુષો હતા. તેવો યોગ ન હોય ત્યારે વિશેષ પુરુષાર્થ કરી, ઘણો સત્સંગ સેવીને પણ, મળેલો યોગ સફળ કરવા જીવે જાગતા રહેવાની જરૂર છેજી.
અત્યારે ડહોળું પાણી પીવાને મળે તો તેવું પણ પીને, જો તરસ છીપે તેમ હોય તો તેમ કરી લેવું; નહીં તો જેમ રણમાં મૂર્ખ મુસાફર ‘આવું પાણી કોણ પીએ ?' એમ કરીને આગળ ચાલ્યો જાય અને આગળ તો તેવું ડહોળું પાણી તો શું, પણ માત્ર રેતી, રેતી જ આવ્યા કરે, ત્યાં તે જીવ તરસે કંઠ બેસી જવાથી મરી જાય છે; તેવી આપણી દશા ન થાય તે વિષે ઘણું વિચારવું ઘટે છેજી.
આ યોગ આપણા હાથમાંથી વહી ગયા પછી, આવો યોગ પણ ફરી મળવો કઠણ છે, તો તેથી સારાની આશા શું રાખવી ? માટે જે બને તે, જતા દિવસમાંથી હિતકારી કાળનો લાભ લઇ લેવો, એ તમારે-મારે-બધાએ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૪૧)
પરમપુરુષોની અનંત કૃપાથી જીવ આટલા સુધી આવ્યો છે. હવે આ યોગ સફળ કરી લેવા, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવાની જરૂર છે.
જેને સત્પુરુષનો યોગ થયો છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા છે, તેને એક પ્રમાદ જ વિઘ્નકર્તા છે. તે દૂર કરવા જીવ પુરુષાર્થ - સત્પુરુષાર્થ સત્પુરુષની આજ્ઞાએ પ્રગટાવે તો સત્પુરુષના હ્દયમાં રહેલો મોક્ષમાર્ગ, જીવને પ્રગટ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩)
આત્માને માટે તપ કરવું છે, એવો ભાવ રહેવો જોઇએ. એવું સત્પુરુષના યોગ વગર થાય નહીં. માટે સત્પુરુષના યોગની જરૂર છે. (બો-૧, પૃ.૩૩૭, આંક ૮૬)
સાચું સુખ શું છે, તેનું જીવને ભાન નથી. સત્પુરુષના યોગે જ ભાન પ્રગટે છે. મોક્ષ જોઇએ છે એમ કહે, પણ મોક્ષ શું તેની ખબર નથી. સત્પુરુષના યોગે જ ખબર પડે. મુખ્ય ભાવના તો સત્પુરુષના યોગની રાખવી. એ યોગ ન હોય તો ભાવના તેની રાખીને સત્શાસ્ત્રનો પરિચય રાખવો. (બો-૧, પૃ.૩૪૨, આંક ૧૮)
D જીવને ભ્રાંતિ છે; પણ ભ્રાંતિરહિત પુરુષનો યોગ થાય તો ભ્રાંતિ નીકળી જાય. મહાપુરુષો બધાં પહેલાં તો ભ્રાંતિવાળા હતાને ? પણ પછી યોગ થયો ત્યારે ભ્રાંતિમાંથી નીકળી ગયા.