________________
ગ્રંથોમાં રાસક્રીડા, રાસગોષ્ઠિ, રાસગૃત ઇત્યાદિ શબ્દો પ્રયોજાયેલા છે. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે, ‘રાસ’ શબ્દનો મૂળ અર્થ કૃષ્ણ-ગોપીની રાસક્રીડા કે અપ્સરા અને વીરપુરુષોની નૃત્યક્રીડા કે સુંદર સ્ત્રીનું નૃત્ય જેવા હોવા જોઈએ. ભામહ અને અભિનવગુપ્ત પણ રાસને નૃત્યપ્રકાર તરીકે વર્ણવે છે. અભિનવગુપ્ત કહે છે, “ચિત્રવિચિત્ર તાલ અને લયવાળું, અનેક નર્તકીઓએ યોજેલું ૬૪ યુગલો સુધીનું સુકોમળ એ ઉદ્દત પ્રયોગવાળું નૃત્ત તે રાસક કહેવાય છે.’
(અભિનવ ભારતી ગ્રંથ-૧ અધ્યાય ૪-૨૬૮-૨૬૯) શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસન ગ્રંથમાં પણ ૬૪ સુધીનાં યુગલો રાસ ૨મે એમ કહ્યું છે.
આ રાસના પ્રકારો શારદાતનય ‘ભાવપ્રકાશ' ગ્રંથમાં દર્શાવે છે, મંડલરાસ, લતારાસ અને દંડરાસ. મંડલરાસ એટલે ગોળાકાર કૂંડાળામાં રમાતો રાસ, લતારાસ પછીથી ‘તાલરાસ’ એટલે કે તાળી પાડીને રમાતા રાસમાં વિકસિત થયો. તો દંડરાસ (લકુટારાસ) એટલે હાથમાં લાકડીના દંડ લઈ રમાતો રાસ. આ તાલરાસ અને લકુટારાસના ઉલ્લેખો પ્રારંભિક રાસાઓમાં જેવા મળે છે. ઈ.સ. ૧૧૭૧માં રચાયેલા સપ્તક્ષેત્રરાસ'માં આ રાસોનો ઉલ્લેખ મળે છે.
આમ, પ્રારંભિક રાસાઓ ગેય અને નર્તનક્ષમ હતા. આ નર્તનની સાથે જ ભરત રૂપક પ્રકાર તરીકે પણ ‘રાસ’નો ઉલ્લેખ કરે છે. આમ, ગેય, નર્તનક્ષમ અને ક્યારેક અભિનયક્ષમ એવું આ રાસનું સ્વરૂપ રહેતું. આ ઉપરાંત મધ્યકાળમાં ‘રાસ’ નામનો છંદ પણ પ્રયોજાતો. ૨૧ માત્રાનો માત્રામેળ છંદ એ સમયના પ્રાકૃત પિંગળમાં નોંધાયો છે. તેમ જ આ નામના છંદનો વપરાશ પણ મળે છે. વળી, છંદોના સમૂહને કે વિશિષ્ટ છંદોની ગોઠવણ પણ ‘રાસક’ તરીકે ઓળખાય છે. છઠ્ઠીથી આઠમી સદીમાં થયેલ વિરહાંક નામના પ્રાકૃત પિંગળકાર ‘વૃત્તસમુચ્ચય’ ગ્રંથમાં કહે છે.
‘અડિલા, દુવહઅ (દોહા), મત્તા (માત્રા), રડ્ડા અને ઢોસા જેવી અનેક છંદોથી રાસકની રચના કરવામાં આવે છે.’
આમાં ‘અડિલા’ છંદની વ્યાખ્યા નોંધપાત્ર છે, આ વ્યાખ્યા તેના નૃત્ય સાથેના સંબંધને પુનઃ જીવંત કરે છે.
અડિલા છંદ એટલે જેમાં આભિરી ભાષા પ્રયોજાય, જેનાં પદોમાં ચમક પણ હોય અને જે કાનને સુખદ લાગે તે છંદ.’
33