________________
પ્રસ્તાવના
ખંડ-૧ – રાસાસાહિત્ય: સ્વરૂપ વિમર્શ મધ્યકાલીન સાહિત્યના બાગમાં અનેક પ્રકારનાં સાહિત્યકુસુમો ખીલ્યાં છે. રાસ, આખ્યાન, ફાગુ, પ્રબંધ, પદ, સઝાય, સ્તવન, ચોવીસી, બારમાસી, મહિના, તિથિ, કક્કો, વિવાહલો, થાળ, આરતી જેવા અનેકવિધ પ્રકારોએ મધ્યકાલીન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ પ્રકારોમાં વધુ વ્યાપક સાહિત્ય પ્રકારોમાં રાસ અને આખ્યાનને ગણી શકાય. હેમચંદ્રાચાર્યે સિદ્ધહૈમ વ્યાકરણમાં ગુજરાતી ભાષાનું પારણું બાંધ્યું, એ પછી થોડાં જ વર્ષોમાં રાસલેખનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. | ઉપલબ્ધ રાસોમાં શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ' સર્વપ્રથમ ઉપલબ્ધ થાય છે. આ રાસમાં કવિએ બે ભાઈઓના રાજ્ય માટેના યુદ્ધનું વીરરસસભર આલેખન કર્યું છે. મધ્યકાળમાં આ રાસાલેખનની પ્રવૃત્તિ સારી એવી વિસ્તરી. મૂળના ગેય અને ટૂંકા રાસો દીર્ઘ-દીર્ઘ બનવા લાગ્યા. રાસાઓમાં કથાસાહિત્યનો ઉમેરો થયો. આથી ગેય અને નર્તનક્ષમ રાસાઓ પઠન-પાઠનના વિષય બન્યા. મધ્યકાળમાં સમયસુંદરજી, જિનહર્ષસૂરિ, ઉદયરત્નજી, જ્ઞાનવિમલસૂરિ, ઋષભદાસજી, મોહનવિજયજી જેવા અનેક કવિઓએ વિપુલ માત્રામાં રાસો લખ્યા. એ જ રીતે હેમચંદ્રાચાર્યથી નરસિંહ સુધીના કાળખંડમાં પણ વિપુલ પ્રમાણમાં રાસાઓનું સર્જન થયું હતું. આ રાસની બહુલતાને લીધે કેકા.શાસ્ત્રી પૂર્વ મધ્યકાળના કાળખંડને “રાસાયુગ” તરીકે ઓળખાવે છે.
આ રાસસ્વરૂપ ક્યાંથી આવ્યું? એની શું વિશેષતા છે? આ સ્વરૂપનાં લક્ષણો શું છે? એ અંગે આપણે અહીં વિગતે વિચાર કરીશું.
ગ્રંથોમાં “રાસ’ શબ્દનો ઉલ્લેખ જોઈએ તો “હરિવંશપુરાણમાં “રાસ” શબ્દનો ઉલ્લેખ મળે છે. ઈશુની બીજી સદીમાં રચાયેલ હરિવંશપુરાણથી માંડી બહ્મવૈવતપુરાણ, ભાગવત આદિ ગ્રંથોમાં “રાસ’ શબ્દનો ઉલ્લેખ થાય છે. આ