________________
૭
પરમકૃપાળુદેવ/સત્પુરુષ પ્રત્યેની ભક્તિ વિષે
[] પતિતપાવન, તરણતારણ, અધમઉદ્ધારણ, અનાથના નાથ, પરમશરણસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી, પરમકૃપાળુ નાથ દેવાધિદેવ, સકળ જીવના આધાર, દીનાનાથદયાળ, કેવળ કરુણામૂર્તિ, સત્સ્વરૂપી શ્રીમદ્ રાજચંદ્ર અંતર્યામીદેવને અત્યંત ભક્તિથી સર્વાર્પણપણે નમસ્કાર હો ! (બો-૩, પૃ.૭૪૦, આંક ૯૦૯)
પરમકૃપાળુદેવની જીવનકળા પહેલી વાંચવી. જેની આપણે ભક્તિ કરીએ છીએ, તેનું જીવન જાણીએ તો આપણને ભાવ થાય. (બો-૧, પૃ.૨૬૫, આંક ૧૭૪)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે પરમ સંતના સમાગમે અચળ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ કર્તવ્ય છેજી. તે પુરુષની અલૌકિકદશા અને તેના અમાપ ઉપકારનો સત્સંગમાં વિચાર કર્તવ્ય છે, તેથી ભક્તિ પ્રગટે છે અને એક મૂળપુરુષની ભક્તિમાં સર્વે આવી જાય છે એ લક્ષ રાખી, પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૯૦, આંક ૮૦)
— એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે, લક્ષ રાખી, એકને ભજવાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે. (બો-૩, પૃ.૧૨૩, આંક ૧૨૨)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ, ૫.ઉ. પ્રભુશ્રીજીએ આપણને બતાવી આપણાં ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા યોગ્ય, ઉપાસવા યોગ્ય, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે.
તેમ જ તેઓશ્રીનાં વચનામૃત સત્શાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દૃઢ કરવા યોગ્ય છે. તે આ મનુષ્યભવમાં બની શકે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, તેમનાં વચનામૃત, તેમની ભક્તિ અને તેમના અપૂર્વ ઉપકારો પ્રત્યે આપણા ભાવ વળશે, હૃદયમાં દૃઢ થશે અને તેનું શરણ ગ્રહણ થશે તો તે આપણા આત્માની સંપત્તિ પામવાનું અપૂર્વ કારણ થશે.
છેવટ સુધી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ એક એ જ પરમપુરુષની ભક્તિમાં કાળ ગાળવાનું, સત્સંગ કરવાનું અને સંપ રાખવાનું આપણને જણાવ્યા કર્યું છે. (બો-૩, પૃ.૧૩૫, આંક ૧૩૫)
7 આપે તો ઘણું વાંચ્યું-વિચાર્યું હશે, પરંતુ હવે પરમકૃપાળુદેવની ભક્તિ અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિસહ, જે જે આરાધના કરશો તે વિશેષ ઊંડા ઊતરવાનું કારણ થશે. આપે પત્રમાં જણાવેલ છે, તે ઉપરાંત છ પદનો પત્ર અને ‘“મૂળ મારગ સાંભળો જિનનો રે'' એ પદ પરમકૃપાળુદેવની આજ્ઞા લઇ વિશેષ-વિશેષ વિચારવા ભલામણ છેજી.
છ પદના પત્રના છેવટના ભાગમાં પરમકૃપાળુદેવ જણાવે છે : “જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' આવી ભક્તિ આદરી, તેમાં જણાવેલું ફળ પ્રાપ્ત કરી લેવું છે, એવો દૃઢ નિશ્વય કર્તવ્ય છેજી.